સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિના પાવન અવસરે તેમની જન્મભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે ભક્તજનોનો અદ્ભુત મહેરામણ ઉમટી પડ્યો છે. બાપાનાં દિવ્ય દર્શન અને પ્રથમ આરતીનો લહાવો લેવા માટે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર લાંબી શ્રદ્ધાળુઓની કતારો જોવા મળી હતી. વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા તેમની પવિત્ર સમાધિ પર વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી, ત્યારબાદ નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારીને ભક્તો માટે મંદિરના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. વહેલી સવારના પોરમાં જ હજારોની સંખ્યામાં પહોંચેલા શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
જન્મજયંતિના આ મહાપર્વ નિમિત્તે સમગ્ર વીરપુર નગરીને અત્યંત આકર્ષક રીતે દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. સ્થાનિક નાગરિકો દ્વારા ઘરે-ઘરે સુંદર રંગોળીઓ પૂજવામાં આવી છે અને દરવાજાઓ પર આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યા છે, જેને કારણે આખી નગરીમાં જાણે દિવાળી જેવો ઉત્સવ હોય તેવો માહોલ સર્જાયો છે. શહેરના મુખ્ય માર્ગો અને ચોક-ચોક પર બાપાના જીવનચરિત્ર અને તેમના મહાન સેવાકાર્યોને ઉજાગર કરતી આકર્ષક ઝાંખીઓ તથા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આજના આ ખાસ દિવસે ભવ્ય શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે.
વીરપુર તરફ આવતા તમામ માર્ગો પર ભક્તોની સેવા માટે ઠેર-ઠેર પાણી, સરબત અને છાશના પરબ શરૂ કરવામાં આવ્યા છે તેમજ વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણની ઉત્તમ વ્યવસ્થા કરાઈ છે. બાપાની આ જન્મજયંતિને વધુ વિશેષ બનાવવા માટે ૨૨૭ કિલો બુંદીના મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે તથા કેક કટીંગનો કાર્યક્રમ પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે, વીરપુરના આ જલારામ મંદિરમાં છેલ્લા ૨૬ વર્ષથી એક પણ રૂપિયાનું દાન કે ભેટસોગાદ સ્વીકારવામાં આવતી નથી, છતાં છેલ્લા ૨૦૦ વર્ષથી વધુ સમયથી અવિરત અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. બાપાની આ અદ્ભુત પરંપરા અને સેવાભાવને અનુસરીને આયોજિત આ ઉત્સવથી સમગ્ર વીરપુર નગરી ભક્તિ અને માનવસેવાના રંગે રંગાઈ ગઈ છે.
