ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા 'INSPIRE-SHE' (INSPIRE Scholarship for Higher Education) યોજના અંતર્ગત અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશના સંશોધન પરિસ્થિતિતંત્રને વધુ મજબૂત બનાવવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુસર આ વિશેષ યોજના તૈયાર કરવામાં આવી છે. આ નવીનીકૃત માળખા હેઠળ દેશભરના કુશળ અને મેધાવી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પસંદગી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સર્વસમાવેશક બનાવવામાં આવી છે, જેનાથી વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
આ યોજના હેઠળ બેઝિક અને નેચરલ સાયન્સમાં અંડરગ્રેજ્યુએટ (સ્નાતક) તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ (અનુસ્નાતક) અભ્યાસક્રમો કરી રહેલા ૧૨,૦০০ જેટલા મેધાવી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. જે વિદ્યાર્થીઓની ઉંમર ૧૭ થી ૨૨ વર્ષની વચ્ચે છે અને જેમણે વર્ષ ૨૦૨૫માં ધોરણ ૧૨ ની પરીક્ષા ઉત્તીર્ણ કરી છે તેઓ આ સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવે છે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ પોતાના સ્ટેટ કે સેન્ટ્રલ બોર્ડમાં ટોપ ૧% માં આવ્યા હોય, અથવા JEE Main, JEE Advanced કે NEET પરીક્ષામાં ટોપ ૧૦,૦૦૦ રેન્ક મેળવ્યો હોય તથા NTSE, JBNSTS કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ મેડલ વિજેતા હોય તેઓ પણ BSc, BS, ઈન્ટિગ્રેટેડ MSc કે MS જેવા અભ્યાસક્રમો માટે આ સ્કોલરશિપ મેળવવા હકદાર છે.
પસંદગી પામેલા વિદ્યાર્થીઓને દર મહિને ૫,૦૦૦ રૂપિયા એટલે કે વાર્ષિક ૬૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય સીધી જ મળવાપાત્ર રહેશે. આ સાથે જ, વિદ્યાર્થીઓને રિસર્ચ પ્રોજેક્ટ માટે ત્રીજા અને ચોથા વર્ષ દરમિયાન દર વર્ષે ૨૦,૦૦૦ રૂપિયાનું વિશેષ મેન્ટરશિપ અનુદાન પણ આપવામાં આવશે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી ૭ ડિસેમ્બર ૨૦૨૬ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધીમાં સત્તાવાર વેબસાઇટ online-inspire.gov.in પર જઈને ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની રહેશે. વિભાગ દ્વારા તમામ ઉમેદવારોને સમયસર અને યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે જેથી અરજી રદ થવાની સંભાવના રહે નહીં.
