તમિલનાડુના મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં બનેલી આ ઘટનામાં મંત્રી વાન્ની અરાસુ અને તેમનો પરિવાર વન વિભાગ દ્વારા સંચાલિત સફારી વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા, જેની સાથે વન વિભાગના કર્મચારીઓ પણ હાજર હતા. વાયરલ થયેલા વિડિયોમાં મંત્રી એક વાઘ પાછળ દોડતા નજરે પડી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ કર્ણાકના બાંદીપુર ટાઈગર રિઝર્વ વિસ્તારમાં તેઓ એક જંગલી હાથીની પણ ખૂબ નજીક જતા જોવા મળ્યા હતા. વન્યજીવોના આ પ્રકારના નિકટના સંપર્કમાં આવવાથી તેમની સુરક્ષા જોખમાઈ શકે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ ભારે ટીકાઓ થઈ રહી છે.
ઘટનાને ગંભીરતાથી લઈને વન્યજીવ સંરક્ષણવાદીઓએ વન વિભાગ સમક્ષ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ મંત્રી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગણી કરી છે. પ્રકૃતિ પ્રેમીઓનું કહેવું છે કે રાજ્ય સરકારના સ્પષ્ટ નિયમો અનુસાર કોઈપણ પર્યટકને વન્યજીવોની નજીક જવાની કે સફારી વાહનમાંથી નીચે ઉતરવાની મનાઈ છે, અને કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ. બીજી તરફ, આ વિવાદ વધતો અટકાવા માટે વન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ વીડિયો રિઝર્વ જંગલ વિસ્તારનો નથી, પરંતુ અચકાઈ સ્થિત એક રિસોર્ટની ખાનગી જમીનનો છે જ્યાં મંત્રી રોકાયા હતા.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મંત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જ વિભાગીય સ્ટાફ તેમની સાથે હાજર હતો અને વિડિયો શૂટ થયો ત્યારે મંત્રી કોઈપણ સફારી વાહનમાંથી નીચે ઉતર્યા નહોતા. તેમ છતાં, સત્તાવાર હોદ્દા પર બેઠેલી વ્યક્તિ દ્વારા વન્યજીવોની આ રીતે કથિત છેડછાડ કરવી તે યોગ્ય નથી તેવી ચર્ચા વન્યજીવ વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર વીઆઈપી સંસ્કૃતિ અને વન્યજીવ સુરક્ષાના કડક નિયમોના પાલન વચ્ચેના સંઘર્ષને સપાટી પર લાવી દીધો છે, અને હવે આગામી દિવસોમાં વન વિભાગ આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
