"જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો"ના દિવ્ય મંત્રને સાર્થક કરનાર પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ જ વીરપુર નગરીમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. રાત્રે ૧૨ વાગતાંની સાથે જ ચામુંડા ચોક, અશોક ચોક અને મીનળવાવ ચોક સહિતના વિસ્તારોમાં હર્ષોલ્લાસ સાથે કેક કાપીને અને ભવ્ય આતશબાજી કરીને ભક્તોએ બાપાના જન્મદિનના વધામણાં કર્યા હતા. ૫૭૦ ફૂટની ઊંચાઈએથી ડ્રોન દ્વારા લેવાયેલો આતશબાજીનો દ્રશ્યમાન વીડિયો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો. ઉજવણીના આ પાવન અવસર પર સમગ્ર નગરીને દુલ્હનની જેમ રોશની, ધજા-પતાકા અને ફૂલોથી શણગારવામાં આવી છે, ત્યારે ઘર-ઘરની રંગોળીઓમાં પણ બાપાનું જીવનચરિત્ર સજીવન થયું હોય તેવું પ્રતીત થાય છે.
જયંતિના દિવસે વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા સમાધિ પર શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારીને દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. દર્શનનો અવિરત લાભ લેવા માટે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ એક-એક કિલોમીટર લાંબી કતારોમાં ભક્તો શિસ્તબદ્ધ રીતે ઊભા રહી રહ્યા છે. આ મહાપર્વ નિમિત્તે ૨૨૭ કિલો બુંદીના પ્રસાદનું વિતરણ, આકર્ષક ઝાંખીઓ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વીરપુર આવતા તમામ માર્ગો પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચા, પાણી, નાસ્તા અને શરબતના પરબ શરૂ કરીને અતિથિ દેવો ભવઃ ની ભાવનાને ઉજાગર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વીરપુર સ્થિત જલારામ બાપાની જગ્યા ખાતે વર્ષોથી અવિરત સદાવ્રત ચાલે છે અને છેલ્લા ૨૬ વર્ષથી અહીં કોઈપણ પ્રકારનું રોકડ દાન સ્વીકારવામાં આવતું નથી. લાખો ભક્તોની વિશાળ ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ, જીઆરડી અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સઘન બંદોબસ્તમાં ખડેપગે તૈનાત છે. આ સાથે જ વીજ પુરવઠો અખંડિત રહે તે માટે પીજીવીસીએલની ટીમ પણ સતત કાર્યરત છે, જેથી ઉત્સવમાં કોઈ અવરોધ ન આવે અને ભક્તો ઉત્સાહભેર બાપાના દર્શન અને સેવાનો લાભ લઈ શકે.
