ઓમાનની ધરતી પર રમાયેલા અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલ મેચમાં ભારતીય યુવા ટીમે પાકિસ્તાનને રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર હરાવીને ટાઇફી પોતાના નામે કરી હતી. આ ઐતિહાસિક વિજય બાદ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' બનેલા આર્યવીર સેહવાગે પોતાના પિતા તથા ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગ સાથે વીડિયો કોલ પર વાતચીત કરી હતી. આ પિતા-પુત્ર વચ્ચેનો ભાવનાત્મક અને રસપ્રદ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીરેન્દ્ર સેહવાગે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ક્લિપ શેર કરતા લખ્યું હતું કે, "કેટલીક પળો એવોર્ડ, રન અને ટ્રોફીથી પણ વધારે મોટી હોય છે, જેને એક પિતા હંમેશાં સાચવીને રાખશે."
વીડિયો કોલ દરમિયાન 17 વર્ષીય આર્યવીરે ફાઇનલ મેચની રોમાંચક ક્ષણો યાદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે 8 રનની જરૂર હતી અને માત્ર એક જ વિકેટ બાકી હતી, ત્યારે તેના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ભારે નર્વસનેસ અનુભવી રહેલા આર્યવીરે હસતાં-હસતાં એવો પણ ખુલાસો કર્યો હતો કે તે દબાણની સ્થિતિમાં મનોમન 'સીતારામ... સીતારામ'ના જાપ કરી રહ્યો હતો. આ દરમિયાન એક રસપ્રદ કિસ્સો શેર કરતા તેણે કહ્યું કે જ્યારે તે મેદાન પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા પાકિસ્તાની ક્રિકેટ ચાહકો તેને પ્રોત્સાહિત કરવા માટે 'સેહવાગ... સેહવાગ'ના નારા લગાવી રહ્યા હતા. વીરેન્દ્ર સેહવાગનો પાકિસ્તાન વિરુદ્ધનો રેકોર્ડ હંમેશા શાનદાર રહ્યો છે અને મુલ્તાન ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર પિતાના વારસાને તેમના પુત્રએ આગળ વધાર્યો છે.
આર્યવીર સેહવાગે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં પોતાની આક્રમક બેટિંગ કુશળતાનું શાનદાર પ્રદર્શન કરી વિરોધી ટીમોના બોલરોના પરસેવા છૂટા પાડી દીધા હતા. તેણે 5 મેચમાં 90.25ની પ્રભાવશાળી સરેરાશ અને 95થી વધુના સ્ટ્રાઈક રેટથી કુલ 361 રન બનાવીને ટૂર્નામેન્ટમાં સર્વોચ્ચ સ્કોરરનું સ્થાન મેળવ્યું હતું. આ શાનદાર પ્રદર્શનમાં એક ભવ્ય સદી અને ત્રણ અડધી સદી ઉપરાંત સૌથી વધુ 16 છગ્ગાનો સમાવેશ થાય છે. સેમિફાઇનલ અને ફાઇનલ જેવા મહત્ત્વપૂર્ણ મુકાબલાઓમાં મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને તેણે સાબિત કરી દીધું કે તે પિતાના વારસાને યોગ્ય દિશામાં આગળ ધપાવી રહ્યો છે. વીરેન્દ્ર સેહવાગે પણ પોતાના દીકરાને આશીર્વાદ આપતાં સલાહ આપી હતી કે હંમેશાં પગ જમીન પર રાખીને મહેનત અને પ્રતિભાના બળે આકાશની ઊંચાઈઓને સ્પર્શ કરતો રહે.
