વર્તમાન સમયમાં મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ઘરીબાબીીએ સરકારી ટેલિવિઝનને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તેહરાન વર્તમાન પરિસ્થિતિમાં કૂટનીતિ, આર્થિક નાકાબંધી અને સૈન્ય આક્રમણ - આ ત્રણેય સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે ઈરાન કોઈ ક્યુબા કે વેનેઝુએલા નથી કે જેને આર્થિક નાકાબંધી કરીને અથવા દબાણ લાવીને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી શકાય. ઈરાની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) કોઈપણ સ્થિતિને પહોંચી વળવા નવી રેન્જની મિસાઈલોનું ઉત્પાદન કરી રહ્યા છે અને દેશ કાનૂની દૃષ્ટિએ હજુ પણ યુદ્ધની સ્થિતિમાં જ છે.
અમેરિકા પર અવિશ્વાસ વ્યક્ત કરતા ઘરીબાબીીએ આરોપ લગાવ્યો હતો કે વોશિંગ્ટન નવી સૈન્ય કાર્યવાહી માટે સમય મેળવવાના સાધન તરીકે કૂટનીતિનો દુરુપયોગ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં પણ વાટાઘાટો ચાલુ હોય ત્યારે જ યુદ્ધ લાદવામાં આવ્યા હોવાથી અમેરિકાની નિયત પર ભરોસો કરી શકાય તેમ નથી. આ કડવાશને કારણે જ્યાં સુધી યુદ્ધનો કાયમી અંત ન આવે અને યોગ્ય શરતો પૂરી ન થાય ત્યાં સુધી ઈરાન પોતાના પરમાણુ મથકોનું નિરીક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ને મંજૂરી આપશે નહીં. એજન્સી દ્વારા ક્ષતિગ્રસ્ત પરમાણુ સ્થળોની મુલાકાત લેવાની માંગ અસલમાં અમેરિકી હથિયારોની અસરકારકતા ચકાસવાનો જ એક પ્રયાસ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા આ ઘમાસાણ વચ્ચે મધ્ય પૂર્વમાં અમેરિકન એરક્રાફ્ટ કેરિયર 'USS થિયોડોર રૂઝવેલ્ટ' પણ પહોંચી ચૂક્યું છે, જે તણાવમાં વધુ એક વધારો કરી રહ્યું છે. બીજી તરફ, તાજેતરમાં જ ઈરાને બહેરીન સ્થિત અમેરિકી હેલિકોપ્ટર બેઝ પર રડાર સિસ્ટમને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે, જોકે અમેરિકી સેના અને બહેરીનની સુરક્ષા પ્રણાલીએ કેટલાક ડ્રોન અને મિસાઇલોને હવામાં જ અટકાવી દીધા હોવાનું જણાવ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા કૂટનીતિનો માર્ગ અપનાવવા માંગતું હોય તો તેણે પ્રતિબંધો હટાવવા પડશે અને ઈરાનનો ભરોસો ફરીથી જીતવો પડશે, નહીં તો આ ક્ષેત્રમાં સંઘર્ષ વધુ ઉગ્ર બની શકે છે.
