ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી તથા જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત જામજોધપુરના કડવા પટેલ સમાજ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના પ્રમુખ મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભેર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ બિરસા મુંડાના જીવન અને બલિદાનને યાદ કરીને તેમના વિચારોને લોકઉપયોગી ગણાવ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, બ્રિટિશ શાસનના અન્યાય સામે આદિવાસી સમાજને એક તાંતણે બાંધીને સંગઠિત કરનાર બિરસા મુંડાનું જીવન આજની યુવાપીઢી માટે સાહસ અને રાષ્ટ્રસેવાની અનન્ય પ્રેરણા પૂરી પાડે છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરીએ પણ પોતાના વક્તવ્યમાં જળ, જમીન અને જંગલના રક્ષણ માટે બિરસા મુંડા દ્વારા આદરાયેલા ઐતિહાસિક આંદોલનને યાદ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનને લાઈવ નિહાળવાની સાથેસાથે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી સુંદર પરંપરાગત લોકનૃત્ય પ્રસ્તુતિ અને યોજનાકીય ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સહભાગીઓએ ભારે ઉત્સાહથી વધાવી લીધી હતી.
સમારોહના અંતિમ ચરણમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનાર આદિજાતિના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તા. ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન ચાલી રહેલા આ સપ્તાહના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગૌસ્વામી, પ્રાંત અધિકારી એસ.જે. અસવાર તેમજ નાયબ ડીડીઓ વિરલ માકડિયા સહિત અનેક અગ્રણીઓ તથા આદિવાસી સમાજના વિશાળ સમુદાયે ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
