જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પ્રગતિશીલ ખેડૂત હરસુખભાઈ ખીમજીભાઈ ભીમાણીએ પરંપરાગત ખેતીની સાથે પૂરક વ્યવસાય અપનાવીને આર્થિક સમૃદ્ધિના દ્વાર કેવી રીતે ખોલી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવતા હરસુખભાઈ પાસે હાલ ૧,૫૦૦ જેટલી મધમાખીની કોલોનીઓ (પેટીઓ) ઉપલબ્ધ છે. જેના માધ્યમથી તેઓ દર વર્ષે ૧૫ થી ૨૦ ટન શુદ્ધ મધનું ઉત્પાદન કરી વાર્ષિક રૂ. ૧૫ થી ૨૦ લાખની માતબર આવક રળે છે. મધના વેચાણ માટે તેમણે છૂટક બજારમાં રૂ. ૫૦૦ પ્રતિ કિલો અને જથ્થાબંધ વેપારીઓને રૂ. ૨૦૦ થી ૨૫૦ પ્રતિ કિલોના ભાવે સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવી છે. આ ઉપરાંત, બાગાયતી અને રોકડિયા પાકોમાં પરાગનયન (પોલિનેશન) માટે તેઓ ખેડૂતોને પ્રતિ પેટી માસિક રૂ. ૧,૫૦০ ના ભાડે આપીને પણ વધારાની કમાણી કરે છે, જેનાથી પાકની ગુણવત્તા વધવાની સાથે જીવાતોનું કુદરતી નિયંત્રણ પણ થાય છે.
મધમાખી ઉછેરના આ વ્યવસાયમાં ઋતુ અને ફૂલોની ઉપલબ્ધતા મુજબ સ્થળાંતર કરવું અત્યંત આવશ્યક હોવાથી, આ વર્ષે સ્થાનિક સ્તરે ઓછા વરસાદના કારણે પૂરતો ખોરાક ન મળતા તેમણે પોતાની તમામ ૧,૫૦૦ મધમાખીની પેટીઓ ઉત્તર પ્રદેશના મથુરા ખાતે બોરના ખેતરોમાં સફળતાપૂર્વક સ્થળાંતરિત કરી છે. આ વ્યવસાયિક સફળતા ઉપરાંત હરસુખભાઈ સમાજ ઉપયોગી કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. જામનગર સ્થિત તેમના કેન્દ્ર ખાતે આયુર્વેદના જ્ઞાન અને અનુભવના સમન્વયથી વા-જન્ય બીમારીઓ (આર્થરાઈટિસ)થી પીડાતા ૫૦૦ થી વધુ દર્દીઓને મધમાખીના ઝેર દ્વારા અપાતી ‘બી-વેનમ થેરાપી’ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી છે, જેથી દર્દીઓને અસાધ્ય દુખાવામાંથી મોટી રાહત મળી છે.
આ કેન્દ્ર દ્વારા માત્ર આર્થિક કે ચિકિત્સા જ નહીં, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય માટે પણ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રના શુદ્ધ ઓર્ગેનિક મધનો ઉપયોગ કરીને ‘કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળી’ દ્વારા વિશેષ ‘સુવર્ણપ્રાશન’ તૈયાર કરવામાં આવે છે. પુષ્ય નક્ષત્રના દિવસે દેશભરની વિદ્યાભારતી શિશુ મંદિર શાળાઓના ૬ માસથી ૧૨ વર્ષ સુધીના બાળકોને આ આયુર્વેદિક ઈમ્યુનાઈઝેશન આપવામાં આવે છે, અને આ ઉમદા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશભરના ૧ લાખથી વધુ બાળકોને આવરી લેવામાં આવ્યા છે. કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ, કોઠાસૂઝ અને સેવાની ભાવના સાથે હરસુખભાઈએ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને દેશ માટે પ્રેરણારૂપ સફળતાનો નવો રાહ ચીંધ્યો છે.
