ગત તા. 21 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર નજીક પનકીધામથી હાપા તરફ જઈ રહેલી ઈંધણના ખાલી વેગનવાળી માલવાહક ટ્રેન સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના યાર્ડમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન લૂપલાઈનમાંથી રાજકોટ તરફની મુખ્ય લાઈન પર આવતી વેળાએ અચાનક ટ્રેનના બે વેગન પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનનો ટેકનિકલ સ્ટાફ, જીઆરપી અને આરપીએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરિસ્થિતિની નજાકતને પારખીને રાજકોટથી રિપેરીંગ માટે ખાસ ટ્રેન મોકલવામાં આવી હતી અને હાઈડ્રો જેકની મદદથી જહેમત ઉઠાવીને વેગનને પુનઃ ટ્રેક પર લાવીને રવાના કરવામાં આવ્યા હતા.
ઘટના બાદ રેલવે વિભાગ દ્વારા આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ટ્રેકના ક્રોસ ઓવર લે-આઉટમાં ખામી હોવાનું સપાટી પર આવ્યું હતું. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજકોટ રેલવે ડિવીઝન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને ટ્રેકને અત્યાધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. રાજકોટ રેલવે ડિવીઝનના સિનિયર ડિવીઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ અકસ્માતગ્રસ્ત સ્થળે અગાઉના 1 ઇન 12 ટર્નઆઉટના સ્થાને હવે 1 ઇન 8.5 ટર્નઆઉટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ નવા સુધારામાં અત્યાધુનિક 'થિક વેબ સ્વીચ ટેકનોલોજી'નો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રેલવે સલામતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આધુનિક ટેકનોલોજીના ઉપયોગ ઉપરાંત ક્રોસ ઓવરના ટ્રેકને જરૂરિયાત મુજબ યોગ્ય રીતે શિફ્ટ અને એડજસ્ટ કરીને તેના વળાંકને અગાઉ કરતાં વધુ સરળ બનાવવામાં આવ્યા છે. ટ્રેક જીઓમેટ્રીમાં થયેલા આ સુધારા અને સરળ વળાંકોના કારણે ભવિષ્યમાં ક્રોસ ઓવર પરથી ટ્રેનો પસાર થતી વખતે લાગતા આંચકા અને બિનજરૂરી લેટરલ ફોર્સિસમાં નોંધપાત્ર ઘટાડો થશે. રેલવે તંત્રની સમયસૂચકતા અને આ આધુનિકીકરણના કારણે હવે સુરેન્દ્રનગર પંથકમાં રેલ પરિચાલન વધુ સુચારૂ, સલામત અને નિર્વિઘ્ન બનશે તેવી પૂરી ખાતરી છે.
