ગુજરાતભરમાં ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડની સંસ્કૃતિ અને આસ્થાના પ્રતિકસમાન છઠ્ઠ મહાપર્વની અદભુત ઉજવણી જોવા મળી હતી. કારતક સુદ છઠ્ઠના સાંજના સમયે આથમતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવા માટે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ નજીક સાબરમતી નદીના તટે તેમજ રિવરફ્રન્ટ, ચાંદખેડા, અમરાઈવાડી અને મેઘાણીનગર જેવા વિસ્તારોમાં વહેલી સાંજથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. મહિલાઓ દ્વારા કઠોર ઉપવાસ રાખીને સૂર્ય ઉપાસના કરવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશેષ કુંડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આસ્થાના મહાપર્વમાં ગરિમાપૂર્ણ રીતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અનેક વરિષ્ઠ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના મેયરની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે તમામ મહાનુભાવોએ પણ છઠ્ઠ પૂજામાં સહભાગી થઈને સૂર્ય દેવના દર્શન કર્યા હતા અને ઉત્સવનો આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છઠ્ઠ મહાપર્વ હવે માત્ર યુપી-બિહારના પરિવારો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ આજે ગુજરાતના સમસ્ત નાગરિકો પણ આ પર્વને એટલા જ ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવી રહ્યા છે. તેમણે આગામી સમયમાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા છઠ્ઠ પૂજાના આયોજનો માટે શ્રદ્ધાળુઓને વધુ સારી અને અધતન સુવિધાઓ પૂરી પાડવાની મક્કમ ખાતરી પણ આપી હતી. સુરક્ષિત અને સુવિધાપૂર્ણ આયોજનને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ખુશી જોવા મળી હતી અને સાંજના સમયે સમગ્ર રાજ્યમાં સાંસ્કૃતિક એકતાનું સુંદર દ્રશ્ય સર્જાયું હતું.
