સ્પેનના મેરીટાઇમ રેસ્ક્યુ સર્વિસના અહેવાલ મુજબ, ગત શનિવારે પશ્ચિમ આફ્રિકન દેશોમાંથી ૧૪ નાની-મોટી હોડીઓમાં સવાર થઈને કુલ ૧,૪૮૮ શરણાર્થીઓ કેનેરી આઈલેન્ડ્સના કિનારે પહોંચ્યા હતા. વર્ષ ૨૦૨૦ પછી એક જ દિવસમાં શરણાર્થીઓનું આ સૌથી મોટું આગમન છે. અગાઉ ૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ ૧,૪૬૧ લોકોને બચાવવાનો રેકોર્ડ નોંધાયો હતો. આ તમામ શરણાર્થીઓ સેનેગલ, ગામ્બિયા અને ગિની કોનાકરી જેવા દેશોમાંથી આવી રહ્યા છે, જેઓ ઓક્ટોબર મહિનાથી શરૂ થયેલા આ પ્રવાહનો એક ભાગ છે.
આ ખતરનાક દરિયાઈ સફરમાં એક જ હોડીમાં ૨૪૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં ૧૨ મહિલાઓ અને ૩૬ બાળકો પણ સામેલ હતા. આ તમામ લોકોને અલ હિયેરો ટાપુ પર સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. અલ હિયેરોમાં ૧૨, ગ્રાન્ કેનેરીયામાં ૧ અને ટેનેરિફમાં ૧ હોડી આવી પહોંચી હતી. આ અચાનક વધેલા પ્રવાહને કારણે ખાસ કરીને નાના અને ઓછી વસ્તી ધરાવતા ટાપુઓની ઇમરજન્સી અને સ્વાસ્થ્ય સેવો પર ભારે તાણ આવી ગઈ છે, જેના કારણે સ્પેનના પ્રાદેશિક નીતિ મંત્રી એન્જલ વિક્ટર ટોરેસ સ્થિતિની સમીક્ષા કરવા માટે અલ હિયેરોની મુલાકાત પણ લેવાના છે.
પશ્ચિમ આફ્રિકાથી કેનેરી આઈલેન્ડ્સ સુધીનો એટલાન્ટિક માર્ગ દુનિયાના સૌથી ખતરનાક માર્ગો પૈકી એક ગણવામાં આવે છે. હજારો લોકો દર વર્ષે તોફાની દરિયો અને પ્રતિકૂળ પ્રવાહો સામે લડીને જોખમી મુસાફરી ખેડે છે. સામાન્ય રીતે પાનખરની આસપાસ સમુદ્રનું વાતાવરણ અનુકૂળ બનતા આ પ્રવાહમાં વધારો જોવા મળે છે. ભલે આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન શરણાર્થીઓના કુલ આગમનમાં ઘટાડો નોંધાયો હોય, પરંતુ છેલ્લા એક મહિનામાં આવેલા અચાનક ઉછાળાએ સત્તાવાળાઓની ચિંતા ફરી વધારી દીધી છે.
