સુરતના વૈશ્વિક સ્તરે જાણીતા કાપડ ઉદ્યોગ પર છેલ્લા કેટલાક સમયથી મંદીના ઘેરા વાદળો છવાયેલા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સતત થઈ રહેલી ઉથલપાથલની સીધી અસર સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે. ક્રુડ ઓઈલના ભાવોમાં થયેલા ભડકાને કારણે ડાઈઝ કેમિકલ, યાન (સૂતર) અને અન્ય રો મટિરિયલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ ઉપરાંત, ઉદ્યોગોના બોઈલર ચલાવવા માટે અત્યંત આવશ્યક ગણાતા કોલસાના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. અગાઉ સસ્તા ભાવે મળતો કોલસો હવે વધીને પ્રતિ ટન ૧૧ થી ૧૩ હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે, અને બજારમાં લિગ્નાઈટનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી આગામી દિવસોમાં પણ રાહત મળવાની કોઈ જ શક્યતા દેખાઈ રહી નથી.
ઈંધણ અને કાચા માલના ભાવો વધવાને કારણે દરિયાઈ કે રોડ માર્ગે થતા ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ ભારે વધારો નોંધાયો છે, જેના લીધે ગ્રે મેન્યુફેક્ચરિંગ લુમ્સ ચલાવનારાઓ અને વેપારીઓની પ્રોડક્શન કોસ્ટ ઘણી ઊંચી આવી ગઈ છે. બજારમાં પ્રવર્તતી આર્થિક અનિશ્ચિતતા અને મોંઘવારીના કારણે વેપારીઓ નવો માલ ખરીદવાનું મોટું જોખમ લેવાથી બચી રહ્યા છે. વેપારીઓ પાસે હજુ જૂનો તૈયાર માલ જ પૂરતા પ્રમાણમાં પડ્યો છે, ત્યારે જો અત્યારે મોંઘા ભાવે ગ્રે માલ ખરીદીને પ્રોસેસિંગમાં મૂકવામાં આવે અને જો તે નહીં વેચાય તો વેપારીઓએ ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેવી દહેશત છે. આ જ કારણોસર બજારમાં નવા માલની આવક લગભગ ઠપ્પ થઈ ગઈ છે.
એક તરફ મોંઘવારીના મારથી સામાન્ય ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી છે અને તેઓ અત્યારે માત્ર જરૂર પૂરતી જ ખરીદી કરી રહ્યા છે, ભલે વેપારીઓ 'એક સાથે એક ફ્રી' જેવી આકર્ષક ઓફરો આપી રહ્યા હોય. આ કપરા સંજોગો વચ્ચે સુરતના કાપડ વેપારીઓની આશા હવે આગામી લગ્નસરાની સિઝન પર કેન્દ્રિત થઈ છે. વેપારીઓ અને ઉદ્યોગકારો મીં માંડીને બેઠા છે કે લગ્નસરાની સિઝનમાં ગ્રાહકો દ્વારા સારી ખરીદી નીકળે, જેથી તેમને મોંઘા ભાવે ખરીદેલા માલનું યોગ્ય વળતર મળી શકે અને કાપડ ઉદ્યોગ ફરી એકવાર બેઠો થઈ શકે.
