વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આઝાદીની લડાઈમાં આદિવાસીઓના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે આ સમાજે હંમેશાં ધરતીનું જતન કરવાની સાથે દેશની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આદિવાસી સમાજના ઉત્થાન માટે અનેક ઐતિહાસિક પગલાં લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ગુજરાતમાં વન અધિકાર અધિનિયમ હેઠળ લાખો પરિવારોને જમીનના માલિકી હકો સોંપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આજે એક જ દિવસમાં ૧૮ હજારથી વધુ લાભાર્થીઓને વન અધિકારના પ્રમાણપત્રો આપીને તેમના જીવનમાં નવો પ્રકાશ રેલાવવામાં આવ્યો છે.
આ સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ પૂર્વવર્તી કોંગ્રેસ સરકારો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આઝાદી પછીના દાયકાઓમાં કોંગ્રેસે આદિવાસી સમાજનો માત્ર 'વોટબેંક' તરીકે ઉપયોગ કર્યો હતો અને તેમના વિકાસના સપનાઓ પર હંમેશાં રોડા નાખ્યા હતા. ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં વર્ષ ૨૦૦૧ સુધી વીજળી, પાણી અને રસ્તા જેવી પાયાની સવલતો પણ જાણીજોઈને પહોંચાડવામાં આવી ન હતી. કોંગ્રેસના શાસનમાં આદિવાસીઓને ક્યારેય વન અધિકાર પત્રો ન મળ્યા અને ભગવાન બિરસા મુંડાજીના યોગદાનને પણ ક્યારેય યોગ્ય સન્માન આપવામાં આવ્યું ન હતું. માત્ર ભાજપની સરકાર દ્વારા જ આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની શરૂઆત કરીને તેમની સાચી કાળજી લેવામાં આવી છે.
વર્ષ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વિકાસની એક નવી ગાથા શરૂ થઈ હોવાનું જણાવી હર્ષ સંઘવીએ પ્રભાવશાળી આંકડા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યમાં એકલવ્ય શાળાઓની સંખ્યા ૭ થી વધીને ૫૭ થઈ છે, આઈ.ટી.આઈ. અને મેડિકલ કોલેજોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે તેમજ હજારો સ્માર્ટ ક્લાસરૂમનું નિર્માણ થયું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ૧ કરોડથી વધુ નાગરિકોનું સિકલસેલ એનિમિયા સ્ક્રીનિંગ કરવા સાથે આયુષ્માન ભારત કાર્ડ દ્વારા કરોડો રૂપિયાની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી છે. સરકારની આ કલ્યાણકારી યોજનાઓના પરિણામે આજે આદિવાસી સમાજના યુવાનો ડૉક્ટર, ઇજનેર, કલેક્ટર અને પાઈલટ બનીને દેશ-વિદેશમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે.
