JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

વડોદરાના રૂ. 84 લાખના ચકચારી દારૂકાંડમાં બાપોદ પોલીસ સ્ટેશનના PI અને PSI સસ્પેન્ડ

વડોદરાના રૂ. 84 લાખના ચકચારી દારૂકાંડમાં બાપોદ પોલીસ સ્ટેશનના PI અને PSI સસ્પેન્ડ
વડોદરાના કુખ્યાત 84 લાખના દારૂકાંડમાં પોલીસ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ તપાસ અહેવાલના આધારે બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી. લાડુમોર અને પીએસઆઈ આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડોદરા શહેરના પોલીસ બેડામાં આશરે ત્રણ મહિના જૂના રૂ. 84 લાખના દારૂકાંડ મામલે મોટો ભૂકંપ સર્જાયો છે. બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં સામે આવેલા આ ગંભીર પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. લાખો રૂપિયાનો પ્રતિબંધિત નશીલો પદાર્થ પકડાયા બાદ સ્થાનિક પોલીસની રહેમનજર અને નબળી કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા હતા, જેના પરિણામે આખી ઘટના શંકાના ઘેરામાં આવી ગઈ હતી.

આ સમગ્ર પ્રકરણની શરૂઆત આશરે ત્રણ મહિના અગાઉ થઈ હતી, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે બાપોદ વિસ્તારમાં અચાનક સપાટો બોલાવીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલા આ જથ્થાની બજાર કિંમત અંદાજે 84 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. તપાસ દરમિયાન આ મોટો ખેલ કુખ્યાત બુટલેગર નીલુ સિંધી દ્વારા ચલાવવામાં આવી રહ્યો હોવાનું અને તેણે જ આ દારૂ મંગાવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.

આટલી મોટી માત્રામાં દારૂ ગેરકાયદેસર રીતે ઘુસાડી દેવાયો હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ કેમ રહી તે મોટો પ્રશ્ન હતો. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંતિમ અહેવાલના આધારે બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી. લાડુમોર અને પીએસઆઈ આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે. આ કડક કાર્યવાહીથી સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

LATEST ARTICLES