ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં ચિતબડાગાંવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨૮ વર્ષીય સબ-ઇન્સ્પેક્ટર સંદીપ કુમારે શનિવારે સાંજે એક ગંભીર પગલું ભરીને રેલવે ટ્રેક પર આપઘાત કરી લીધો હતો. પોલીસ અધિક્ષક (SP) ઈરાજ રાજાના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે ૭ થી ૮ વાગ્યાની વચ્ચે એક ટ્રેનના લોકો પાઇલટે સ્ટેશન પર મેમો આપીને જાણ કરી હતી કે કોઈ વ્યક્તિએ રેલવે ટ્રેક પર સૂઈને આપઘાત કર્યો છે. આ માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં રેલવે ટ્રેક નજીક એક બુલેટ મોટરસાઈકલ પણ પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસે મૃતદેહની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી ત્યારે મૃતક યુવાન અન્ય કોઈ નહીં પરંતુ ચિતબડાગાંવ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૧૧ મહિનાથી ફરજ બજાવતા સબ-ઇન્સ્પેક્ટર સંદીપ કુમાર હોવાનું બહાર આવ્યું હતું.
મૂળ સંત કબીર નગરના વતની એવા સંદીપ કુમારના આપઘાત પાછળનું અસલી કારણ પોલીસ તપાસમાં સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. એસપી ઈરાજ રાજાએ ખુલાસો કર્યો છે કે સંદીપ કુમાર સિકંદરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતા. આ યુવતી સતત તેમના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી અને સાથેસાથે તેમનું બ્લુમેલિંગ પણ કરી રહી હતી. પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તે જ યુવતીએ અગાઉ આજથી બે વર્ષ પહેલાં અન્ય એક પોલીસ અધિકારી સામે પણ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. આ સમગ્ર મામલે યુવતીના માનસિક ત્રાસ અને બ્લેકમેઈલિંગથી કંટાળીને જ યુવા સબ-ઇન્સ્પેક્ટરે આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મૃતકના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ કરી દીધી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બનાવને પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે કે કાયદાના રક્ષક જ જ્યારે માનસિક બ્લેકમેઈલિંગનો ભોગ બનીને આત્મહત્યા કરવા મજબૂર બને ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષાની શું સ્થિતિ હશે. પોલીસ અધિકારીઓ આ મામે કાળજીપૂર્વક ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે જેથી બ્લેકમેઈલિંગ પાછળ સંડોવાયેલા અન્ય પાસાઓ પણ બહાર આવી શકે અને દોષિત સામે કડક કાનૂની પગલાં લઈ શકાય.
