છોટાઉદેપુર ખાતે આવેલા એસ.એન. કોલેજ ગ્રાઉન્ડ પર આયોજિત આ ભવ્ય રાજ્યકક્ષાના કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કર્યો હતો. આ પ્રસંગે આયોજિત ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રીએ ઉત્સાહભેર જોડાઈને વિશાળ જનમેદનીનું અભિવાદન પણ ઝીલ્યું હતું. રાજ્ય સરકારે આજના આ દિવસને માત્ર ઉત્સવ પૂરતો સીમિત ન રાખતા તેને વિકાસના કાર્યોનો દિવસ બનાવ્યો છે, જેના ભાગરૂપે આદિવાસી વિસ્તારોના સર્વાંગી ઉત્થાન માટે અંદાજે રૂ. ૨૩૧૧ કરોડના વિવિધ લાભો અને ૧૦૯ જેટલા વિકાસ કામોની ભેટ જનતાને અર્પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન પારદર્શક વહીવટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ૧૮,૮૨૮થી વધુ નાગરિકોને વન અધિકાર પત્રો તેમજ ૨૭,૩૨૩ જેટલા વ્યક્તિગત લાભો સીધા જ લાભાર્થીઓના હાથમાં સોંપવામાં આવ્યા હતા.
જનમેદનીને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને દેશની રક્ષા તેમજ સંસ્કૃતિના જતન માટે આપેલા બલિદાનોને યાદ કર્યા હતા. તેમણે ગર્વપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે-જ્યારે દેશ અને સમાજને મુશ્કેલી કે જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે આદિવાસી સમાજ હંમેશાં અગ્રેસર રહીને મોખરે રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી અને હિતલક્ષી નીતિઓના પરિણામે જ દેશના કરોડો લોકો આજે ગરીબી રેખામાંથી બહાર આવીને સન્માનભેર જીવન જીવી રહ્યા છે. દેશમાં આવેલું આ આર્થિક અને સામાજિક પરિવર્તન આદિવાસી અને વંચિત વર્ગોના ઉત્થાન માટે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરે છે.
આદિવાસી વિસ્તારોના ભવિષ્યના વિકાસની રૂપરેખા આપતા મુખ્યમંત્રીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ પાછળ બે લાખ કરોડ રૂપિયાના માતબર ખર્ચે વિકાસકામોનું આયોજન હાથ ધરવામાં આવશે. આદિવાસી યુવાનો અને બાળકો માટે શિક્ષણના સ્તરને ઊંચું લાવવા આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ૨૨,૫૦০થી વધુ સ્માર્ટ ક્લાસ શરૂ થવાથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધારવા અને હસ્તકલા કે સ્થાનિક ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે માટે સાપ્તાહિક હાટ પણ શરૂ કરવામાં આવ્યા છે, જે આદિવાસી અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.
