ટેકનોલોજી દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટની વૈશ્વિક સિસ્ટમમાં મોટી ખામી સર્જાતા ગુરુવારથી શરૂ થયેલી સમસ્યા શુક્રવારે પણ યથાવત રહી હતી, જેના કારણે વિશ્વભરના અસંખ્ય વપરાશકર્તાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માઈક્રોસોફ્ટ ૩૬૫, આઉટલુક, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને એક્સચેન્જ ઓનલાઈન જેવી આવશ્યક સેવાઓ અચાનક બંધ થઈ જવાને કારણે ૭૪થી વધુ દેશોમાં સરકારી કામકાજ અને વ્યાપારી પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો છે. યુએસ ટેક જાયન્ટ કંપનીના એન્જિનિયરો દ્વારા સેવાઓ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં, અપેક્ષિત પરિણામો ન મળવાને કારણે સમસ્યા લાંબી ખેંચાઈ હતી. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ વિક્ષેપ પાછળ કોઈ પ્રકારની સાયબર હુમલા કે દૂષિત પ્રવૃત્તિની કોઈ સંભાવના નથી, પરંતુ કોઈ અપડેટ સંબંધિત સમસ્યા હોવાની શંકા છે.
આ વૈશ્વિક આઉટરેજની સૌથી વધુ અસર નાણાકીય સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો અને સરકારી વહીવટી તંત્ર પર જોવા મળી છે. હોંગકોંગમાં મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન સૅક્સ જેવી મોટી બેંકોના કર્મચારીઓ ઈમેલ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ એક્સેસ ન કરી શકવાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયામાં શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને સુરક્ષા એજન્સીઓના સરકારી કામો ઠપ્પ થઈ ગયા હતા. જાપાનમાં સરકારી આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાતા મંત્રાલયોએ કામ ચાલુ રાખવા માટે ડિજિટલને બદલે શારીરિક એટલે કે ભૌતિક દસ્તાવેજોનો સહારો લેવો પડ્યો હતો. આ ઉપરાંત, સિંગાપોર સરકારના ઈમેલ સર્વર ડાઉન થઈ ગયા હતા અને ફિલિપાઈન્સની સર્વોચ્ચ અદાલતે પણ કાનૂની કાર્યવાહીમાં વિલંબ થવાની ચેતવણી જાહેર કરી હતી.
એવિએશન ક્ષેત્રે પણ આ ટેકનિકલ ખામીની અસર દેખાઈ હતી, જ્યાં ભારતની અગ્રણી એરલાઇન ઈન્ડિગો અને આકાશા એર દ્વારા મુસાફરોને ઈમેલ સપોર્ટ સેવાઓમાં વિલંબ થવા અંગેની સત્તાવાર ચેતવણીઓ જારી કરવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ અનેક શહેરોના સરકારી તંત્રો દ્વારા ઈમેલ સમસ્યાઓને કારણે નાગરિકોને ફોન દ્વારા સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. ડાઉનડેક્ટર પર ૧,૩૦,૦૦૦થી વધુ યુઝર્સે આઉટલુક ચાલુ રાખવામાં મુશ્કેલીઓ નોંધાવી હતી. માઈક્રોસોફ્ટના ઇજનેરો વૈકલ્પિક રસ્તાઓ શોધીને યુદ્ધના ધોરણે સિસ્ટમ સુધારણાની કામગીરી કરી રહ્યા છે, જેથી વૈશ્વિક સ્તરે ખોરવાયેલી ડિજિટલ વ્યવસ્થાઓને વહેલી તકે સામાન્ય બનાવી શકાય.
