માઈક્રોસોફ્ટ 365 ની સેવાઓમાં અચાનક સર્જાયેલા વૈશ્વિક આઉટેજને કારણે દુનિયાભરમાં આધુનિક ઓફિસ વર્ક પર ભારે અસર પડી છે. આ ટેક્નિકલી ખામી ૧૨ નવેમ્બરની મોડી રાતથી શરૂ થઈ હતી, જેના કારણે આઉટલુક ઈમેલ, ટીમ્સ મીટિંગ ટૂલ્સ અને અન્ય મહત્વપૂર્ણ પ્લેટફોર્મ્સ લાખો યુઝર્સ માટે અપ્રાપ્ય બની ગયા હતા. આ અચાનક થયેલી ઠપ થવાની ઘટનાથી માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ અમેરિકા, જાપાન સહિતના અનેક દેશોમાં બેંકો, સરકારી વિભાગો અને અદાલતોનું કામકાજ પણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. ડિજિટલ સેવાઓ અચાનક બંધ થઈ જવાના કારણે વૈશ્વિક સ્તરે વ્યાપક ચિંતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આ વૈશ્વિક સમસ્યા વકરતા જ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અટકળો અને વાયરલ થિયરીઓનો દોર શરૂ થઈ ગયો હતો. કેટલાક લોકોએ તેને મોટો સાયબર હુમલો ગણાવ્યો તો વળી કેટલાકે એવો દાવો કર્યો કે આ કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એજન્ટ બેકાબૂ થવાને કારણે થયું છે. આ તમામ અફવાઓ વચ્ચે માઈક્રોસોફ્ટના કોપાયોટ, એજન્ટ્સ અને પ્લેટફોર્મના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ લમાન્યાએ 'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે ગ્રાહકોને થયેલી અગવડ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે આ કોઈ પણ પ્રકારની દાનતવાળી અથવા સાયબર ગતિવિધિનું પરિણામ હોવાના કોઈ સંકેત નથી.
દરમિયાન, માઈક્રોસોફ્ટે સ્વીકાર્યું છે કે આ સમસ્યાને ઉકેલવા માટે શરૂઆતમાં લાગુ કરવામાં આવેલા ફેરફારો અપેક્ષિત પરિણામ આપી રહ્યા નથી. કંપનીના જણાવ્યા અનુસાર, ટ્રાફિક મેનેજમેન્ટની અસંતુલિત સ્થિતિ સામે ક્ષમતા વધારવા માટે હવે વૈકલ્પિક કાર્યપ્રણાલીઓ ઓળખવામાં આવી રહી છે અને ટેક્નિકલ ટીમો આ સમસ્યાને ઝડપથી દૂર કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. એડમિન સેન્ટર અને સત્તાવાર અપડેટ્સ દ્વારા યુઝર્સને સતત માહિતી પૂરી પાડવામાં આવી રહી છે જેથી વહેલી તકે તમામ ડિજિટલ સેવાઓ પૂર્વવત થઈ શકે.
