વડોદરા ખાતે યોજાયેલા આ ભવ્ય એર-શોમાં વિશ્વના એકમાત્ર પાંચ હેલિકોપ્ટર ધરાવતા 'સારંગ' એરોબેટિક ગ્રુપે પોતાની અદમ્ય સાહસિકતાના દર્શન કરાવ્યા હતા. સ્ક્વોડ્રન લીડર અને પાયલોટ બી. એસ. ડુમરે જણાવ્યું હતું કે સ્થળની અનુકૂળતા મુજબ સામાન્ય રીતે ૧૫ થી ૨૦ મિનિટાલ ચાલતા આ શોની શરૂઆત પાંચ હેલિકોપ્ટરના 'એરોહેડ ફોર્મેશન'થી થાય છે. ત્યારબાદ 'ઈન્ડિયા ફોર્મેશન' અને 'ડાયમંડ ફોર્મેશન' જેવા જટિલ કરતબો રજૂ કરવામાં આવે છે. ડાયમંડ ફોર્મેશન પૂર્ણ થયા બાદ સિંગલ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવતું 'સ્ટોલ ટર્ન મેન્યુવર' સ્વદેશી મશીનની તાકાત અને પાયલોટની સચોટતાની સાક્ષી પૂરે છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કૃત શબ્દ 'સારંગ' એટલે કે આપણા રાષ્ટ્રીય પક્ષી 'મોર'ની થીમ પર આધારિત આ ટીમના હેલિકોપ્ટરો પર સફેદ, લાલ અને ઘેરા વાદળી રંગમાં મોરની આકર્ષક ડિઝાઇન બનાવવામાં આવી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા નિર્મિત સ્વદેશી 'એચએએલ ધ્રુવ' (એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર)નો ઉપયોગ કરતી આ ટીમની સ્થાપના ઓક્ટોબર ૨૦૦૩માં આ હેલિકોપ્ટરની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે કરવામાં આવી હતી. આ કુશળ પાયલટો ડોલ્ફિન લીપ, ક્રોસઓવર અને ઇન્ડિયા ફોર્મેશન જેવા અત્યંત જોખમી સ્ટંટ્સ અતિશય ઓછા અંતરે રહીને સફળતાપૂર્વક પાર પાડે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય વાયુસેનાનું ગૌરવ વધારી ચૂક્યા છે.
માત્ર મનોરંજન કે એર-શો પૂરતા મર્યાદિત ન રહેતા, સારંગ ટીમના આ વીર જવાનોએ ઉત્તરાખંડ, કેરળ અને ચેન્નાઈના વિનાશક પૂર જેવી ગંભીર કુદરતી આફતો વખતે રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવી અનેક અમૂલ્ય જીવ બચાવ્યા છે. વડોદરામાં યોજાયેલા આ અદભુત પ્રદર્શને માત્ર નગરજનોનું મનોરંજન જ નથી કર્યું, પરંતુ યુવા પેઢીમાં ભારતીય વાયુસેના અને સશસ્ત્ર દળોમાં જોડાઈને દેશસેવા કરવાની પ્રબળ પ્રેરણા પણ જગાડી છે. આ પ્રકારના આયોજનો દેશની રક્ષણાત્મક તાકાત અને સ્વદેશી ટેકનોલોજીની પ્રગતિને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં મોટો ભાગ ભજવે છે.
