ઘટનાની વિગતો અનુસાર, ગત ૪ નવેમ્બરના રોજ ૨૦ વર્ષીય યુવતી બોરીવલીથી વિરાર જઈ રહેલી મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન ટ્રેનમાં સવાર ૫૩ વર્ષીય જિતેન્દ્ર ગિરજપ્પા હિરમુખે નામના શખ્સે તેની સાથે અયોગ્ય સ્પર્શ કરીને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં યુવતીને ભીડભાડના કારણે આ બાબત સામાન્ય લાગી હતી, પરંતુ વારંવાર આવું થતાં તેણે વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીને ઠપકો આપ્યો હતો. આ વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેમાં ક્રોધે ભરાયેલી યુવતીએ આરોપી પર પોતાની ચંપલ ફેંકી હતી અને બદલામાં આરોપીએ પણ અપશબ્દો બોલીને યુવતી પર ચંપલથી હુમલો કર્યો હતો.
ટ્રેન જ્યારે નાયગાંવ સ્ટેશને પહોંચી ત્યારે પણ આ વિવાદ ચાલુ જ હતો અને સ્ટેશન પર ઉતડતી વખતે આરોપીએ ઉશ્કેરાઈને યુવતીને જોરશોરથી ટ્રેનમાંથી નીચે ધક્કો મારી દીધો હતો. આ ગંભીર હુમલાને કારણે યુવતી બે કોચ વચ્ચેની ખાલી જગ્યામાં રેલવે ટ્રેક પર પછડાઈ હતી અને તેના માથામાં ગંભીર ઈજાઓ થવાથી ૧૬ ટાંકા આવ્યા હતા. તે જ્યારે ગભરાયેલી હાલતમાં પ્લેટફોર્મ પર ચડવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે જ ટ્રેન ઉપડી ગઈ હતી અને ટ્રેનના પૈડા નીચે આવી જવાથી તેનો ડાબો હાથ કોણી સુધી કપાઈ ગયો હતો. શરૂઆતમાં આ ઘટનાને એક સામાન્ય અકસ્માત તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ પીડિતાના નિવેદન અને ફરિયાદ બાદ સમગ્ર ઘટનાનો ભયાનક અસલી ચહેરો સામે આવ્યો હતો.
આ ગંભીર અપરાધની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભાયંદર રેલવે પોલીસ સ્ટેશન (GRP) દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૪ (મહિલાની નમ્રતા ભંગ કરવાના ઇરાદાથી હુમલો), ૧૧૭(٢) (ગંભીર ઈજા પહોંચાડવી) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન તેમાં હત્યાના પ્રયાસની કલમ ૧૦૯ પણ ઉમેરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નાયગાંવ પૂર્વના રહેવાસી એવા આરોપી જિતેન્દ્ર હિરમુખેની ૯ નવેમ્બરના રોજ ધરપકડ કરી લીધી છે. આ લોહિયાળ ઘટનાએ મુંબઈની લાઈફલાઈન સમાન લોકલ ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા કરી દીધા છે.
