આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વૈશ્વિક ક્રાંતિ સર્જનાર એનવીડિયા (Nvidia) કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેેનસેન હુઆંગ પોતાના જન્મસ્થળ તાઈવાનમાં રોકસ્ટાર જેવી લોકપ્રિયતા ધરાવતા હતા. પરંતુ, એક ચીની મહિલા સાથેના કથિત સંબંધો અને યુએસ ગુપ્તચર એજન્સી એફબીઆઈ (FBI) દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા તેમની આ છબીને મોટો ફટકો પડ્યો છે. અમેરિકી અધિકારીઓ દ્વારા કથિત ચીની જાસૂસ તરીકે ઓળખવામાં આવેલી એલિસ હુઆંગ સાથેના જેેનસેન હુઆંગના સંબંધોનો મામલો સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વની સાથે તાઈવાન પણ સ્તબ્ધ થઈ ગયું છે. વર્ષ 2025 દરમિયાન તાઈવાની રાજધાની તાઈપેઈમાં આ જોડીની રેસ્ટોરન્ટ મુલાકાતનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને વૈશ્વિક સ્તરે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ વિવાદે જોર પકડ્યું છે.
તાઈવાનમાં જેેનસેન હુઆંગની મુલાકાતોને આવકારતી રેસ્ટોરન્ટો અને દુકાનોમાં હવે તેમના ફોટા હટાવવા અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક નાગરિકો અને દુકાનદારોનું માનવું છે કે, હુઆંગની સાર્વજનિક છબી અત્યાર સુધી લગભગ નિર્મળ હતી, પરંતુ આ વ્યક્તિગત નૈતિક કૌભાંડ અને કોર્પોરેટ જાસૂસીના આરોપો બાદ તેઓ અચાનક લોકપ્રિયતાના શિખર પરથી નીચે ઉતરી ગયા છે. તાઈવાનના પ્રમુખ કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ આ મામલે સક્રિય થઈ છે અને તાઈવાનમાં આ જોડીની મુલાકાતોના પ્રવાસ સમયપત્રક પર પૂરતી નજર રાખી રહી છે. તાઈવાનના આંતરિક મંત્રી લિયુ શાયહ-ફાંગે સ્પષ્ટ કર્યું છે કે એલિસ હુઆંગનો એન્ટ્રી પરમિટ રદ્દ કરી દેવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ આ મામલાની તલસ્પર્શી તપાસ કરી રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે એફબીઆઈ જેેનસેન હુઆંગ અને કથિત ચીની એજન્ટ વચ્ચેના સંબંધોની તપાસ કરી રહી છે, જોકે તેમણે એમ પણ જણાવ્યું કે હુઆંગને આ વાતનો કોઈ ખ્યાલ ન હતો કે તે મહિલા જાસૂસ હતી. બીજી તરફ, જેેનસેન હુઆંગે આ સંબંધ સ્વીકારીને પોતાની પત્ની અને કંપની સમક્ષ ખુલ્લા પત્ર દ્વારા જાહેરમાં માફી માંગી લીધી છે. તાઈવાન સરકાર દ્વારા 'મેગાસ્પીડ' નામની કંપની અને એલિસ હુઆંગના ભૂતકાળના પ્રવાસોની સઘન તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે બેઇજિંગે એલિસ હુઆંગ ચીની જાસૂસ હોવાના તમામ દાખલાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.
