ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં આવેલા ભાઈ બીજના તહેવાર નિમિત્તે તા. ૧૧ નવેમ્બરે રાજ્યમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. આ ખાસ દિવસે GSRTC માં એક જ દિવસમાં વિક્રમજનક ૧,૪૬,૮૭૫ સીટોનું બુકિંગ નોંધાયું છે, જે દેશની કોઈપણ રાજ્ય પરિવહન નિગમ માટે એક અદ્ભુત સિદ્ધિ છે. આ સાથે નિગમે સળંગ સાતમા વર્ષે સમગ્ર દેશમાં પોતાનું અગ્રેસર સ્થાન અકબંધ રાખ્યું છે. મુસાફરોમાં ડિજિટલ માધ્યમો પ્રત્યેનો વધતો વિશ્વાસ દર્શાવતા માત્ર મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી જ ૯૯,૪૦૨ સીટોનું બુકિંગ કરવામાં આવ્યું હતું.
માત્ર બુકિંગ જ નહીં પરંતુ આવકના મામલામાં પણ નિગમે એક નવો જ સીમાચિહ્ન સર કર્યો છે. આ એક જ દિવસમાં GSRTC ને કુલ રૂ. ૩.૫૫ કરોડ જેટલી માતબર ડિજિટલ આવક પ્રાપ્ત થઈ છે, જેમાં એકલા મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ રૂ. ૨.૨૭ કરોડનું યોગદાન મળ્યું છે. જ્યારે આ દિવસની કુલ આવકનો આંકડો રૂ. ૧૩ કરોડને વટાવી ગયો છે. વર્ષ ૨૦૧૯ માં માત્ર ૭૪,૩૬૮ સીટો અને રૂ. ૧.૫૩ કરોડની આવકથી શરૂ થયેલી આ ડિજિટલ સફર ક્રમશઃ પ્રગતિ કરતી કરતી વર્ષ ૨૦૨૬ માં પોતાના સર્વોચ્ચ શિખરે પહોંચી છે. ગત વર્ષોના આંકડાઓની સરખામણીએ આ વર્ષે નોંધાયેલું આ જબરદસ્ત વ્યાપક પ્રદર્શન 'ડિજિટલ ઇન્ડિયા'ના સ્વપ્નને જમીની સ્તરે વધુ મજબૂત અને સાકાર કરી રહ્યું છે.
આ ઐતિહાસિક સફળતા પાછળ નિગમના કર્મચારીઓની અતૂટ નિષ્ઠા અને મહેનત રહેલી છે, જેને બિરદાવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ એસ.ટી. ડ્રાઈવર, કન્ડક્ટર અને મિકેનિક સહિતના સમગ્ર સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તહેવારોના વ્યસ્ત સમયમાં પોતાના પરિવારની પરવા કર્યા વગર મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા બદલ તેમણે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. મુસાફરોને અત્યાધુનિક, સરળ અને સંપૂર્ણ પારદર્શક મુસાફરીની સુવિધાઓ પૂરી પાડવા માટે GSRTC હંમેશાં કટિબદ્ધ છે અને આ ભવ્ય સફળતાનો શ્રેય નિગમે પ્રજાજનો તથા મુસાફરોને આપ્યો છે.
