JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

એલઆઈસીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પોર્ટફોલિયો બદલ્યો: રિલાયન્સ અને એલએન્ડટીમાં ખરીદી, બેંકોમાં ઘટાડો

| By JAMNAGAR MIRROR
એલઆઈસીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પોર્ટફોલિયો બદલ્યો: રિલાયન્સ અને એલએન્ડટીમાં ખરીદી, બેંકોમાં ઘટાડો
દેશની સૌથી મોટી નાણાકીય સંસ્થા એલઆઈસીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7,346 કરોડ રૂપિયાના શેર ખરીદીને પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કર્યો છે. રિલાયન્સ અને એલએન્ડટીમાં મોટું રોકાણ કરવા સામે આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈના શેરોમાં હિસ્સો ઘટાડવામાં આવ્યો છે.

પ્રાઈમ ડેટાબેઝના આંકડા મુજબ, સપ્ટેમ્બર 30ના અંતે લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી)નું કુલ ઇક્વિટી હોલ્ડિંગ ઘટીને 15.49 લાખ કરોડ રૂપિયા નોંધાય્યું છે. અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં આ મૂલ્યમાં 4.97 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં કંપનીનો હિસ્સો ઘટીને 3.38 ટકાની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચવાનું છે. આમ છતાં, એલઆઈસી દેશની સૌથી મોટી સિંગલ એસેટ મેનેજર તરીકે યથાવત છે અને તેનું ઇક્વિટી હોલ્ડિંગ દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની કરતા લગભગ બમણું છે. બજારમાં મંદીના માહોલ વચ્ચે પણ સંસ્થાએ ચોખ્ખી ખરીદી ચાલુ રાખીને મજબૂત સ્થાન જાળવી રાખ્યું છે.

સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં એલઆઈસીએ ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, ટેલિકોમ અને ઓટોમોબાઈલ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ પર પસંદગી ઉતારી છે. કંપનીએ સૌથી મોટી ખરીદી લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી)માં કરી હતી, જેમાં 4,153 કરોડ રૂપિયાના શેર ખરીદવામાં આવ્યા હતા. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 3,967 કરોડ રૂપિયા અને ભારતી એરટેલમાં 3,878 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. મારુતિ સુઝુકી, એનટીપીસી, પાવર ગ્રીડ અને અશોક લેલેન્ડ જેવી કંપનીઓમાં પણ નાણાં રોકવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ તમામ શેરોના ભાવ ક્વાર્ટર દરમિયાન નીચા આવ્યા હતા, જે દર્શાવે છે કે એલઆઈસીએ બજારમાં ઘટાડાનો લાભ લઈને નીચા ભાવે ગુણવત્તાયુક્ત શેર એકત્રિત કરવાની રણનીતિ અપનાવી હતી.

બીજી બાજુ, નફા વસૂલી અથવા પોર્ટફોલિયો રીબેલેન્સિંગના ભાગરૂપે એલઆઈસીએ બેન્કિંગ અને કન્ઝ્યુમર ક્ષેત્રના કેટલાક શેરોમાં પોતાનું એક્સપોર્ચર ઘટાડ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંકમાંથી અંદાજે 4,453 કરોડ રૂપિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)માંથી 3,209 કરોડ રૂપિયાનો હિસ્સો વેચવામાં આવ્યો છે. નેસ્લે ઇન્ડિયા, ડિવિઝ લેબોરેટરીઝ અને ટેક મહિન્દ્રા જેવા શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. તેમ છતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ અને એલએન્ડટી વર્તમાન સમયમાં પણ એલઆઈસીના સૌથી મોટા હોલ્ડિંગ્સ તરીકે મોખરે છે. એકંદરે, આ ક્વાર્ટરની નીતિ બજારની અસ્થિરતા વચ્ચે સાવચેતીપૂર્વકનું પુનઃસંતુલન અને લાંબા ગાળાના મજબૂત પાયા પર ભરોસો દર્શાવે છે.

LATEST ARTICLES