JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સ્વચ્છ ભારત મિશનને મોટો આંચકો: કચરાના ડુંગરો હટાવવાની સમયમર્યાદા લંબાઈને ડિસેમ્બર 2027 કરાઈ

| By JAMNAGAR MIRROR
સ્વચ્છ ભારત મિશનને મોટો આંચકો: કચરાના ડુંગરો હટાવવાની સમયમર્યાદા લંબાઈને ડિસેમ્બર 2027 કરાઈ
દેશભરની જૂની ડમ્પસાઇટ્સ સાફ કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યાંકમાં વિલંબ થયો છે અને સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ કચરો હટાવવાની ડેડલાઈન ઓક્ટોબર 2026થી વધારીને હવે ડિસેમ્બર 2027 કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0' અંતર્ગત દેશનાં શહેરોને કચરામુક્ત બનાવવાની દિશામાં ચાલી રહેલી ઝુંબેશમાં અપેક્ષિત સફળતા મળી નથી, જેના કારણે સરકારે નિર્ધારિત સમયમર્યાદા લંબાવવાની ફરજ પડી છે. અગાઉ આ મિશન હેઠળ તમામ જૂની લેન્ડફિલ સાઇટ્સ અથવા કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ્સને ઓક્ટોબર 2026 સુધીમાં સંપૂર્ણપણે સાફ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જે હવે વધારીને ડિસેમ્બર 2027 કરવામાં આવ્યો છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા વર્ષ 2021માં પાંચ વર્ષના આયોજન સાથે શરૂ કરાયેલા આ મિશન સામે હજુ પણ દેશના વિવિધ શહેરોમાં લાખો ટન કચરાના પહાડો યથાવત્ રહેતા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

સ્વચ્છ ભારત મિશનના સત્તાવાર ડેશબોર્ડ પર ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, દેશભરમાં કુલ 2,607 જૂની ડમ્પસાઇટ્સ નોંધાયેલી હતી, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 1,402 સ્થળોએ જ કચરો દૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી છે. જ્યારે હજુ પણ 1,057 સ્થળો પર કામગીરી પ્રગતિમાં છે અને ચિંતાજનક બાબત એ છે કે 148 જેટલી સાઇટ્સ પર તો હજુ સુધી કોઈ જ કામ શરૂ થઈ શક્યું નથી. શરૂઆતમાં આ તમામ ડમ્પસાઇટ્સ પર અંદાજે 3,135 લાખ ટન કચરો ફેલાયેલો હતો, જેમાંથી અત્યાર સુધીમાં 64 ટકા કચરાનું યોગ્ય નિરાકરણ લાવવામાં સફળતા મળી છે અને તેના લીધે 70 ટકા જેટલી જમીનને ફરીથી ઉપયોગમાં લેવા માટે ખુલ્લી કરવામાં આવી છે.

જોકે, હજુ પણ દેશમાં 1,139 લાખ ટન જેટલો પ્રચંડ કચરો 4,632 એકર વિસ્તારમાં ફેલાયેલો પડ્યો છે, જે સરકાર માટે એક મોટો અને જટિલ પડકાર બની રહ્યો છે. સંબંધીત અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી માર્ચ 2027 સુધીમાં મોટાભાગની ડમ્પસાઇટ્સ સાફ થઈ જશે, પરંતુ કેટલીક અતિ જટિલ જગ્યાઓ પર સફાઈ કામગીરી પૂર્ણ કરવા માટે વધુ સમયની આવશ્યકતા છે. આ જ કારણોસર સમગ્ર દેશમાંથી કચરાના આ વિશાળ ડુંગરોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અંતિમ સમયમર્યાદા ડિસેમ્બર 2027 સુધી લંબાવવામાં આવી છે, જેથી શહેરી વિસ્તારોને સંપૂર્ણ સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવી શકાય.

LATEST ARTICLES