JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

બિકાનેરની સાદી ભૂજિયાથી ૧ અબજ ડોલરના IPO સુધી: હલ્દીરામની અદભુત બિઝનેસ સફર

| By JAMNAGAR MIRROR
બિકાનેરની સાદી ભૂજિયાથી ૧ અબજ ડોલરના IPO સુધી: હલ્દીરામની અદભુત બિઝનેસ સફર
રાજસ્થાનની નાની ગલીઓમાંથી શરૂ થયેલી હલ્દીરામની સફર હવે અંદાજે ૧ અબજ ડોલરના ભંડોળ સાથે શેરબજારમાં પ્રવેપવા તૈયારી કરી રહી છે, જે ભારતીય પેકેજ્ડ ફૂડ માર્કેટમાં એક મોટું માઈલસ્ટોન સાબિત થશે.

વર્ષ ૧૯૩૭માં રાજસ્થાનના બિકાનેરમાં ગંગા ભિશેન અગ્રવાલ દ્વારા એક નાની નમકીનની દુકાનથી શરૂ થયેલી હલ્દીરામની આ સફર આજે દેશના સૌથી મોટા અને સંગઠિત પેકેજ્ડ-ફૂડ સાહસોમાં ફેરવાઈ ચૂકી છે. શરૂઆતમાં સ્થાનિક સ્તરે વેચાતી ક્રિસ્પી ભૂજિયાએ ગ્રાહકોના દિલ જીતી લીધા અને સમયની સાથે અગ્રવાલ પરિવારે તેને બ્રાન્ડનું સ્વરૂપ આપીને દિલ્હી, કોલકાતા અને નાગપુર જેવા મોટા શહેરો સુધી વિસ્તારી. દિલ્હી અને નાગપુરના અલગ-અલગ કુટુંબ સંચાલિત એકમો પાછળથી 'હલ્દીરામ સ્નેક્સ ફૂડ' તરીકે એકસાથે જોડાઈ ગયા, જેને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા પણ મંજૂરી મળી ગઈ હતી. આ જોડાણને કારણે કંપનીનું ઉત્પાદન ક્ષેત્ર, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને પ્રોડક્ટ પોર્ટફોલિયો વધુ મજબૂત બન્યા, જેણે વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે.

આ બિઝનેસની પ્રચંડ સફળતા અને મજબૂત નાણાકીય સ્થિતિને કારણે તાજેતરના વર્ષોમાં ટેમાસેક, ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની, અલ્ફા વેવ ગ્લોબલ અને એલ કેટરટન જેવી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓએ કંપનીમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. ક્રિસિલ રેટિંગ્સના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫માં સંયુક્ત હલ્દીરામ જૂૂથે ૧૨,૯૭૭ કરોડ રૂપિયાની આવક અને ૧,૧૯૫ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે તેની બજારમાં મજબૂત પકડ દર્શાવે છે. ભારતીય નમકીન માર્કેટમાં પરંપરાગત નાસ્તાઓનું સંગઠિત ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને મોતીલાલ ઓસ્વાલના અહેવાલ મુજબ ભારતીય સેવ-ભૂજિયાનું આ બજાર આગામી વર્ષોમાં અબજો રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે, જેમાં હલ્દીરામ સૌથી આગળ છે.

હાલમાં હલ્દીરામનો બિઝનેસ માત્ર દેશ પૂરતો મર્યાદિત નથી રહ્યો પરંતુ તે ૮૦થી વધુ દેશોમાં ૫૦૦થી વધુ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યો છે. આ તમામ મજબૂત પાયા પર આગળ વધતા કંપનીએ વર્ષ ૨૦૨૭ના અંત સુધીમાં આશરે ૧૦,૦00 કરોડ રૂપિયાના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ભારતીય શેરબજારમાં એન્ટ્રી કરવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ સાથે સત્તાવાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો આ પ્રસ્તાવિત લિસ્ટિંગ સફળ રહે છે, તો કંપનીનું મૂલ્ય ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ આંબી શકે છે, જે ભારતીય એફએમસીજી ક્ષેત્રે એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે.

LATEST ARTICLES