દેશમાં સોનાની ખરીદી અને તેને ઘરના લોકરમાં સાચવવાની બાબતે સુપ્રીમ કોર્ટે એક સ્પષ્ટ અને કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અરુણ પલ્લીની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, કોઈ ચોક્કસ મર્યાદામાં સોનું રાખવાની છૂટ આપતા સરકારી પરિપત્રો કે CBDT ની પ્રેસ રિલીઝ આપમેળે એ સાબિત નથી કરતી કે તે સંપત્તિ કાયદેસરની આવકમાંથી જ ખરીદવામાં આવી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે સોનું રાખવાની પાત્રતા અને ભ્રષ્ટાચાર કે આવકથી વધુ સંપત્તિના મામલે તે સોનાના સ્ત્રોતનો હિસાબ આપવો એ બંને બિલકુલ અલગ બાબતો છે, અને માત્ર છૂટ મળી હોવાના દાવાથી આરોપીને હિસાબ આપવાથી મુક્તિ મળી જતી નથી.
આ કેસની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, 11 મે 2015 ના રોજ બિહારના વિજિલન્સ પોલીસ સ્ટેશનમાં ફૂલપરી કુમારી અને તેમના પતિ વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ વસાવવા અંગેની એફઆઈઆર નોંધવામાં આવી હતી. લાંબી તપાસ બાદ 2020 માં માત્ર મહિલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ અને વિજિલન્સ અદાલતે તેનો સ્વીકાર કર્યો હતો. આ કાર્યવાહી સામે મહિલાએ પટના હાઈકોર્ટમાં અરજી કરી હતી અને દલીલ કરી હતી કે નિયમો મુજબ પરિણીત મહિલા 500 ગ્રામ સુધી સોનું રાખી શકે છે અને તેમની પાસે આ મર્યાદાથી વધુ સોનું ન હોવાથી તેમની સામે કોઈ ગુનાહિત કાર્યવાહી ન થઈ શકે. પટના હાઈકોર્ટે આ દલીલ માન્ય રાખીને મહિલા વિરુદ્ધનો કેસ રદ કરી દીધો હતો, જેને બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની દલીલોને ગ્રાહ્ય રાખીને પટના હાઈકોર્ટના તર્કને સંપૂર્ણપણે અયોગ્ય ઠેરવ્યો છે અને હાઈકોર્ટનો આદેશ રદ કરી દીધો છે. સાથે જ વિશેષ વિજિલન્સ અદાલતના સંજ્ઞાનને પુનઃસ્થાપિત કરીને કેસની કાર્યવાહી આગળ ધપાવવા નિર્દેશ આપ્યો છે. જો કે, અદાલતે મહિલાને નીચલી કોર્ટમાં અન્ય કાનૂની દલીલો રજૂ કરવાની છૂટ પણ આપી છે પરંતુ તે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના ચાલશે. આ ચુકાદાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કાયદાકીય મર્યાદામાં સોનું રાખવાની છૂટનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કે બેનામી સંપત્તિના મામલે હિસાબ આપવાથી બચી શકાશે નહીં.
