શહેરના અતિ વ્યસ્ત ગણાતા દીપક ટોકીઝથી ચાંદી બજાર પોસ્ટ ઓફિસ સુધીના મુખ્ય માર્ગ પર આગામી ૧૫ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમિયાન નવો સીસી રોડ બનાવવાનું આયોજન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી સામે વોર્ડ નંબર ૯ ના રતનબાઈ મસ્જિદ સર્કલ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે તેમણે મ્યુનિસિપલ કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં ચાલી રહેલી બજારની મંદી અને દુષ્કાળ જેવી સ્થિતિમાં જો આ રસ્તો બંધ કરવામાં આવશે તો સેંકડો પરિવારોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થશે. આથી, મોટો રોડ બનાવવાનું આયોજન હાલ પૂરતું મોકૂફ રાખીને માત્ર માઇનર પેચવર્ક કરવામાં આવે જેથી રસ્તો વાહનવ્યવહાર માટે યોગ્ય બની રહે અને ધંધા-રોજગાર પર કોઈ માઠી અસર ન પડે.
આ માર્ગ ગ્રેઇન માર્કેટ અને રાજેન્દ્ર રોડની સપ્લાય સાથે સીધો જોડાયેલો હોવાથી તે આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર માટેનો મુખ્ય રાજમાર્ગ છે. રસ્તો બંધ થવાના કારણે સમગ્ર સપ્લાય ચેઇન પ્રભાવિત થશે અને તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગો પર પહેલેથી જ ભારે ટ્રાફિક રહેતો હોવાથી નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડશે. આ ઉપરાંત, આ ગીચ વિસ્તારમાં શૈક્ષણિક-મેડિકલ સંસ્થાઓ તેમજ બે મોટા ધાર્મિક સ્થળો આવેલા હોવાથી સતત ભીડ રહે છે. સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે જો આ વિસ્તારમાં કોઈ આગ કે મેડિકલ ઇમરજન્સી જેવી દુર્ઘટના સર્જાશે, તો ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ જેવી અત્યાવશ્યક સેવાઓ સમયસર કેમ પહોંચશે તે એક મોટો પ્રશ્નાર્થ છે.
તંત્રની કામગીરીની સમયમર્યાદા પર અવિશ્વાસ વ્યક્ત કરતા વેપારી કિરીટભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અગાઉના વિકાસકામોનો અનુભવ દર્શાવે છે કે એક મહિનાનું કામ પૂરું થતાં ચાર મહિના લાગી જાય છે, જેથી તંત્રએ મોટો પ્રોજેક્ટ શરૂ કરવાને બદલે વેપારીઓ સાથે બેસીને કોઈ વચનો રસ્તો કાઢવો જોઈએ. સ્થાનિકોએ એવી પણ માંગ કરી છે કે મહાનગરોની જેમ ૨૪ કલાક કામગીરી કરીને જનતાને રાહત આપવી જોઈએ અથવા તો ઉચ્ચ સત્તાધીશોએ જાતે સ્થળ પર આવીને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ. વેપારીઓ વિકાસના વિરોધી નથી પરંતુ તેમની આજીવિકા અને જનહિતને ધ્યાનમાં રાખીને તંત્ર યોગ્ય નિર્ણય લે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.
