JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

મોંઘવારીનો માર: મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2થી 4 રૂપિયાનો કર્યો વધારો

Nov 11, 2026 | 13:20 | By JAMNAGAR MIRROR
મોંઘવારીનો માર: મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2થી 4 રૂપિયાનો કર્યો વધારો
સામાન્ય જનતાના રસોડાનું બજેટ ગરમાયું છે કારણ કે મધર ડેરીએ ઇનપુટ કોસ્ટ વધવાના કારણે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 થી 4 રૂપિયાનો વધારો કર્યો છે, જે નવા આદેશ અનુસાર આગામી ગુરુવારથી લાગુ કરવામાં આવશે.

દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં દૂધની સૌથી મોટી સપ્લાયર એવી મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં કરાયેલા આ વધારાથી સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડશે. કંપની દ્વારા લિક્વિડ દૂધના તમામ મુખ્ય પ્રકારોમાં 2 થી 4 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે સવારની ચા અને કોફી નાગરિકો માટે વધુ મોંઘી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ કંપનીએ 14 મે 2026ના રોજ કિંમતોમાં ફેરફાર કર્યો હતો, અને હવે ફરી એકવાર ભાવ વધારો ઝીંકાયો છે.

ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ જણાવતા સૂત્રોના અહેવાલ મુજબ, ખેડૂતો પાસેથી કાચું દૂધ ખરીદવાનો પ્રોડક્શન કોસ્ટ અથવા ખર્ચ અણધારી રીતે વધી ગયો છે. આ વધેલા આર્થિક ભારણનો અમુક ભાગ કંપનીએ ગ્રાહકો તરફ વાળવો પડ્યો છે. મધર ડેરી તેની કમાણીનો મોટો એટલે કે 75 થી 80 ટકા જેટલો હિસ્સો સીધો ખેડૂતોને ચૂકવે છે. માત્ર દિલ્હી-એનસીઆર બજારમાં જ જનરલ ટ્રેડ, આઉટલેટ્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સના માધ્યમથી રોજના આશરે 35 લાખ લિટર દૂધનું વેચાણ કરતી આ કંપની સમગ્ર દેશમાં દરરોજ 50 લાખ લિટરથી વધુ દૂધનો વેપાર કરે છે.

સુધારેલા નવા દર અનુસાર, ટોન્ડ મિલ્ક (છૂટક) હવે 58 રૂપિયાને બદલે 60 રૂપિયા પ્રતિ લિટર મળશે, જ્યારે પેકેટેડ ફુલ ક્રીમ મિલ્કની કિંમત વધારીને 76 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. આ ઉપરાંત, પેકેટેડ ટોન્ડ મિલ્ક 62 રૂપિયા, ડબલ ટોન્ડ મિલ્ક 56 રૂપિયા અને ગાયનું દૂધ 65 રૂપિયા પ્રતિ લિટરના નવા ભાવે ગ્રાહકોને ઉપલબ્ધ થશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની આ પેટાકંપની અગાઉના નાણાકીય વર્ષમાં મજબૂત માંગના જોરે રૂપિયા 20,300 કરોડનું ટર્નઓવર હાંસલ કરી ચૂકી છે, ત્યારે આ નવા ભાવ વધારાથી બજારમાં કેવો પ્રત્યાઘાત પડે છે તે જોવું રહ્યું.

LATEST ARTICLES