ભારતીય રાજકારણમાં ભાગ્યે જ બનતી એક અનોખી ઘટનામાં, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રતિષ્ઠિત ફેશન મેગેઝિન 'હાર્પર્સ બઝાર ઈન્ડિયા'ના કવર પેજ પર સ્થાન મેળવ્યું છે. તેમના આ આગવા અંદાજ પાછળનું મુખ્ય કારણ તેમના નવા સંસ્મરણ (મેમોઇર) પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'નું લોન્ચિંગ છે. HarperCollins India દ્વારા પ્રકાશિત 544 પાનાંનું આ પુસ્તક તેમના જીવન, પરિવાર અને તેમની સફરને આકાર આપતી મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો ઘનિષ્ઠ ચિતાર આપે છે. આ મેગેઝિનના કવર પર સોનિયા ગાંધી લાલ કિનારીવાળી ગુલાબી સાડી અને લાલ બ્લાઉઝમાં અત્યંત આકર્ષક અને શાસ્ત્રીય દેખાઈ રહ્યા છે, જેમાં તેમણે પોતાની જ પર્સનલ કલેક્શનની જ્વેલરી અને એસેસરીઝનો ઉપયોગ કર્યો છે.
આ ફેશન કવર શૂટ ભારતીય રાજકારણ અને ફેશન મીડિયાના સંબંધોમાં એક નવો વળાંક દર્શાવે છે, કારણ કે સામાન્ય રીતે ભારતીય રાજકારણીઓ આવા ફેશન મેગેઝિનના કવર પેજથી દૂર રહેતા હોય છે. આ શૂટની સૌથી ખાસ વાત એ રહી કે તેમાં ગાંધી પરિવારની ત્રણ પેઢીઓ એકસાથે જોવા મળી હતી. સોનિયા ગાંધીના આ ક્લાસિક લુકને તેમની પુત્રી અને નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્ટાઇલ કર્યો હતો, જ્યારે તેમના પૌત્ર રાયહાન વાડ્રાએ પ્રોફેશનલ ફોટોગ્રાફરની જેમ આ શૂટને પોતાના કેમેરામાં શૂટ કર્યું હતું. મેગેઝિને સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરીને તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય હસ્તીઓ માટે આવા મેગેઝિન કવર સામાન્ય છે પરંતુ ભારતમાં તે ખૂબ જ દુર્લભ છે.
આ સમગ્ર ઘટનામાં કુટુંબ અને યાદોનો એક સુંદર સેતુ પણ રચાયો છે, કારણ કે સોનિયા ગાંધીના આ પુસ્તકનું કવર પેજ પણ તેમના દિવંગત પતિ રાજીવ ગાંધી દ્વારા વર્ષો પહેલા ઇટાલીમાં લેવાયેલી તેમની યુવા વયની તસવીરથી સજાવવામાં આવ્યું છે. દાયકાઓ પહેલા જે પળો રાજીવ ગાંધીએ કેમેરામાં ઝડપી હતી, આજે તે જ પરિવારના પૌત્ર રાયહાને પોતાની દાદીને લેન્સ સામે કેદ કરી છે. સોનિયા ગાંધીનું આ પુસ્તક અને આ વિશેષ ફેશન શૂટ માત્ર તેમની ફેશન સેન્સને જ નહીં, પરંતુ રાજીવ ગાંધીની હત્યા, કેન્સર સામેની જંગ અને 2004માં વડાપ્રધાન પદ ન સ્વીકારવાના નિર્ણયો જેવા તેમના જીવનના અત્યંત અંગત અને રાજકીય અધ્યાયોને પણ દુનિયા સમક્ષ ઉજાગર કરે છે.
