JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ચેન્નાઈમાં ઓનલાઈન ફ્રોડ: મિકેનિક શોપના માલિકની ગેરહાજરીનો લાભ લઈને કર્મચારીએ બદલી નાખ્યો પેમેન્ટ QR કોડ

Nov 11, 2026 | 12:50 | By JAMNAGAR MIRROR
ચેન્નાઈમાં ઓનલાઈન ફ્રોડ: મિકેનિક શોપના માલિકની ગેરહાજરીનો લાભ લઈને કર્મચારીએ બદલી નાખ્યો પેમેન્ટ QR કોડ
ચેન્નાઈના વ્યાસાર્પાડી વિસ્તારમાં એક મિકેનિક શોપના કર્મચારીએ માલિકની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને પોતાની જ બેંક સાથે જોડાયેલો QR કોડ લગાવી દીધો હતો. તેણે બે મહિનામાં ગ્રાહકો પાસેથી આવેલા આશરે બે લાખ રૂપિયા પોતાના ખાતામાં ડાયવર્ટ કરી લીધા હતા, જે મામલે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, ચેન્નાઈના બી.બી. રોડ પર વોટર-વોશ અને મિકેનિક શોપ ચલાવતા ૩૫ વર્ષીય માલિક શરતકુમારના ઘરમાં બાળકનો જન્મ થયો હોવાથી તેઓ છેલ્લા બે મહિનાથી દુકાને આવી શક્યા ન હતા. તેમની આ ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવીને તેમની દુકાનમાં કામ કરતા વિજયકુમાર અને તિરુમલાઈ નામના બે કર્મચારીઓએ માલિકની જાણ બહાર દુકાનમાં લાગેલા ઓરિજિનલ પેમેન્ટ QR કોડને હટાવી દીધો હતો. તેની જગ્યાએ તેમણે પોતાના બેંક ખાતા સાથે લિંક કરેલો નવો QR કોડ સ્ટીકર ચોંટાડી દીધું હતું, જેથી ગ્રાહકો દ્વારા થતું પેમેન્ટ સીધું તેમના જ ખાતામાં જમા થઈ શકે.

આ બે મહિનાના સમયગાળા દરમિયાન ગ્રાહકો દ્વારા ઓનલાઈન ચૂકવવામાં આવેલી આશરે બે લાખ રૂપિયાની માતબર રકમ માલિકના ખાતામાં પહોંચવાને બદલે આ બંને કર્મચારીઓના અંગત ખાતામાં જમા થતી રહી હતી. જ્યારે બે મહિના બાદ શરતકુમાર દુકાને પાછા ફર્યા અને તેમણે હિસાબ તપાસ્યો ત્યારે તેમને વ્યવહારોમાં મોટી ગરબડ હોવાનું ધ્યાનમાં આવ્યું. માલિકે જ્યારે આ અંગે કર્મચારીઓનો સામનો કર્યો અને પૂછપરછ શરૂ કરી, ત્યારે ઉલટાના આરોપીઓએ માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોતાની સાથે થયેલી આ છેતરપિંડી અને જીવનું જોખમ હોવાને કારણે શરતકુમારે વ્યાસાર્પાડી પોલીસ સ્ટેશનના ક્રાઈમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં એક પોલીસ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને પુલિયનથોપના કન્નીકાપુરમ રહેતા ૩૩ વર્ષીય વિજયકુમાર નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનામાં વપરાયેલું કયુઆર કોડ સ્ટીકર પણ જપ્ત કર્યું છે, જ્યારે કોર્ટમાં રજૂ કર્યા બાદ વિજયકુમારને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે અને ફરાર અન્ય આરોપી તિરુમલાઈની શોધખોળ ચાલુ છે.

LATEST ARTICLES