આશા, ઉત્સાહ અને ઉમંગના માહોલ વચ્ચે અમદાવાદ શહેર દિવાળીના રંગે સંપૂર્ણપણે રંગાઈ ગયું છે. સુખ-દુઃખ અને અનેક યાદો સાથે વિક્રમ સંવત ૨૦૮૨ને વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે નવી આશા અને નવા સંકલ્પો સાથે વિક્રમ સંવત ૨૦૮૩ના મંગલ પ્રારંભ માટે અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીનો માહોલ જામ્યો છે. પોળોથી માંડીને હાઈરાઈઝ ફ્લેટો અને મુખ્ય બજારોમાં રોશની તથા ઉત્સવનો માહોલ છવાયો છે. રવિવારની રજા બાદ સોમવારે સી.જી. રોડ, આશ્રમ રોડ અને જૂના શહેરના બજારોમાં બેંકો તથા કોર્પોરેટ ઓફિસો શરૂ થતાં વેપારી વર્ગમાં પણ સામાન્ય ચહલપહલ જોવા મળી હતી.
શહેરભરમાં પ્રકાશ પર્વની ઉજવણીનો અનોખો ઉત્સાહ મોડી સાંજથી જ આકાશમાં આતશબાજી અને ફટાકડાના ધમાકા સાથે દેખાઈ રહ્યો હતો. બાળકો અને યુવા વર્ગે રોકેટ, ચકરડી, કોઠી અને અવનવી આતશબાજી કરીને તહેવારની ભરપૂર મજા માણી હતી. બીજી બાજુ, ઘરની ગૃહિણીઓએ આંગણામાં રંગબેરંગી રંગોળી પૂરીને અને ઉંબરે દીવડાં પ્રગટાવીને પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખી હતી. ભગવાન રામના અયોધ્યા આગમનના સ્મરણ સાથે ઉજવાતા આ મહાપર્વ નિમિત્તે શહેરના જગન્નાથ મંદિર, કેમ્પ હનુમાન અને સોમનાથ મહાદેવ સહિતના તમામ પૌરાણિક મંદિરોને વિશેષ રોશની અને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે.
નવા વર્ષના આગમનના વધામણાં માટે મંગળવારે વહેલી સવારે શહેરના શ્રદ્ધાળુઓ મંદિરોમાં દર્શન અને પૂજન-અર્ચના કરી દિવસની શરૂઆત કરશે. આ શુભ અવસરે લોકો પોતાના ઘર, દુકાન અને ઓફિસોમાં વિધિવત પૂજા-અર્ચના કરી ફટાકડા ફોડીને નવા વર્ષને આવકારશે. આ પવિત્ર દિવસે વડીલોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવવાની અને પરિવારજનો, મિત્રો તથા સ્નેહીજનોને રૂબરૂ કે ફોન દ્વારા 'સાલમુબારક' પાઠવીને પરંપરાગત ભાઈચારાની ભાવના વ્યક્ત કરવામાં આવશે.
