ચેન્નઈ સ્થિત પ્રતિષ્ઠિત પેરિયાર અરીવુલાગમ લાઈબ્રેરી માટે કરવામાં આવેલી પુસ્તકોની ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને જાહેર ભંડોળના દુરુપયોગનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. ડીએમકેની લીગલ વિંગના સંયુક્ત સચિવ આઈ. પરંતમને શનિવારે ડાયરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC) સમક્ષ પહોંચીને આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે જાણીતા લેખક પેરુમાલ મુરુગને એક મુલાકાતમાં નવા ઉદ્ઘાટિત પુસ્તકાલયમાં રાખવામાં આવેલા પુસ્તકો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે લાઈબ્રેરીમાં મોટી સંખ્યામાં નકલી અને AI-જનરેટેડ પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેણે રાજકીય અને સાહિત્યિક વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે.
ફરિયાદમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં પ્રકાશિત થયેલા ૧૬૨ જેટલા પુસ્તકો એક જ લેખિકા 'મોનિકા રવિ'ના નામે નોંધાયેલા છે, જે આ ખરીદીની પારદર્શકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કરે છે. ડીએમકેના નેતાઓએ સવાલો ઉઠાવ્યા છે કે આ પુસ્તકો ખરીદવાના ઓર્ડર કયા અધિકારીઓએ આપ્યા હતા અને તેની ડિલિવરી ક્યારે થઈ હતી તેની કોઈ સ્પષ્ટતા નથી. એટલું જ નહીં, લાઈબ્રેરીમાં 'ત્રિશા વિજય', 'સંગીતા વિજય' અને 'તમરાઈ પન્નીર' જેવા શંકાસ્પદ નામો ધરાવતા લેખકો ખરેખર અસ્તિત્વમાં છે કે કેમ તે અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. પુસ્તક ભલામણ સમિતિના સભ્યો પણ અજાણ હતા કે આવા શંકાસ્પદ પુસ્તકો પુસ્તકાલયમાં કેવી રીતે દાખલ થયા, જેના કારણે આ સમગ્ર મામલો કોઈ મોટા કાવતરા તરફ ઈશારો કરે છે.
આ વિવાદ વધુ ઘેરો બનતા વિપક્ષી નેતાઓ અને શાસક પક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. એઆઈએડીએમકેના મહાસચિવ ઇડાપ્પાડી કે. પલાનીસ્વામીએ લાઈબ્રેરીના ઉદ્ઘાટન અગાઉ પુસ્તકોની ચકાસણી ન કરવા બદલ સરકારની ઝાટકણી કાઢી છે અને જણાવ્યું છે કે આનાથી જનતામાં ભ્રમણા ફેલાઈ રહી છે. બીજી તરફ, ડીએમકેએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેમની સરકાર હેઠળ કોઈ ગેરરીતિ થઈ નથી અને તેઓ કોઈપણ તપાસનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વિરોધી પક્ષો પર સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી અવાખો ફેલાવવાનો આરોપ લગાવતા ડીએમકેએ કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે, જ્યારે સામાન્ય જનતા અને સાહિત્યપ્રેમીઓમાં આ કથિત કૌભાંડને લઈને ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.
