JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

દેશભરમાં એફએસએસએઆઈની કડક કાર્યવાહી: ૫૬ હજારથી વધુ ખાદ્ય સંસ્થાન પર દરોડા, ૧૧૩૩ લાઇસન્સ રદ અને ૩,૨૭૯ ટન જપ્ત

Nov 08, 2026 | 05:00 | By JAMNAGAR MIRROR
દેશભરમાં એફએસએસએઆઈની કડક કાર્યવાહી: ૫૬ હજારથી વધુ ખાદ્ય સંસ્થાન પર દરોડા, ૧૧૩૩ લાઇસન્સ રદ અને ૩,૨૭૯ ટન જપ્ત
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા દેશવ્યાપી વિશેષ અભિયાન ચલાવીને ૫૬,૦૦୦થી વધુ ખાદ્ય સંસ્થાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ કડક કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે ૧૦,૦૦૦થી વધુ નોટિસ ફટકારવાની સાથે રૂ. ૮૧.૮ કરોડની કિંમતનો હાનિકારક જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

દેશના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું અને વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી નિરીક્ષણ અભિયાન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલ ૫૬,૦૦૦ કરતા વધુ ખાદ્ય વ્યવસાયિક એકમોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. FSSAI દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ સઘન ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં વેચાતી ગુણવત્તાહીન ખાદ્ય ચીજવસ્તુઓને ડામવાનો અને ફૂડ સેફ્ટીના નિર્ધારિત ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવાનો છે.

આ મેરેથોન ચેકિંગ દરમિયાન ગેરરીતિ આચરતા અને ધારાધોરણો પર ખરા ન ઉતરતા એકમો સામે સત્તાવાળાઓ દ્વારા કડક નિયમનકારી પગલાં લેવામાં આવ્યા છે. અભિયાન હેઠળ નિયમોનું પાલન ન કરનાર એકમોને સુધારા માટે ૧૦,૦૪૭ જેટલી કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, ગંભીર પ્રકારની ગેરરીતિઓ બદલ ૧,૧૩૩ ખાદ્ય લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે ૫૨ લાઇસન્સ કાયમ માટે રદ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, સુરક્ષાના ધોરણોને ઘોળીને પીનારા ૩૧૪ જેટલા ખાદ્ય એકમોને અધિકારીઓ દ્વારા તુરંત સીલ કરી દેવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે તંત્ર ખાદ્ય સુરક્ષાના મામલે કોઈ પણ પ્રકારનીી બેદરકારી ચલાવી લેવાના મૂડમાં નથી.

અભિયાન દરમિયાન સમગ્ર સપ્લાય ચેઈનમાંથી અંદાજે ૩,૨૭૯.૫૭ મેટ્રિક ટન શંકાસ્પદ અને અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૮૧.૮૦ કરોડ આંકવામાં આવી છે. આ જપ્તી ઉપરાંત, ગુણવત્તા ચકાસવા માટે ૪૩,૯૩૯ ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી ૨૩,૬૪૮ સેમ્પલની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી છે અને ૨,૨૭૩ નમૂનાઓ ધોરણો મુજબ અયોગ્ય (ફેલ) સાબિત થયા છે. આ તમામ ગંભીર ઉલ્લંઘનો બદલ દોષિતો સામે ૪૧૦ ફોજદારી કેસો પણ શરૂ કરવામાં આવ્યા છે. FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે દેશના ખાદ્ય ઇકોસિસ્ટમને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સ્તરની એજન્સીઓ સાથે મળીને આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે.

LATEST ARTICLES