અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા અને ચીનને પછાડવા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ ડેટા સેન્ટર્સનું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી માટે અણધારી રાજકીય મુસીબત સાબિત થઈ રહ્યું છે. સીએનએનના એક અહેવાલ મુજબ, ડેમોક્રેટ્સે ડેટા સેન્ટરોના નિર્માણ સામેના સાર્વજનિક વિરોધને ચૂંટણીમાં હથિયાર બનાવી દીધું છે અને આ ઉદ્યોગને સમર્થન આપનારા રિપબ્લિકન ઉમેદવારોને નિશાન બનાવ્યા છે. ટેક્સાસમાં જેમ્સ ટાલારિકોના અભિયાનથી લઈને ઓહાયો, મિશિગન અને સાઉથ કેરોલિના જેવા રાજ્યોમાં પણ આ વિરોધ પ્રદર્શનોએ જોર પકડ્યું છે, જેના કારણે રિપબ્લિકનની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
સામાન્ય જનતામાં ડેટા સેન્ટર્સ સામે વધતા રોષનું મુખ્ય કારણ વીજળી અને પાણીની ભારે ખપત છે. હજારો સર્વર્સ અને કૂલિંગ સિસ્ટમ્સ ચલાવવા માટે આ સેન્ટર્સને ૨૪ કલાક અઢળક વીજળીની જરૂર પડે છે, જેનાથી સ્થાનિક પાવર ગ્રીડ પર દબાણ વધ્યું છે અને નાગરિકોને ડર છે કે વીજળીના ઊંચા બિલનો બોજ તેમના માથે આવશે. આ ઉપરાંત, પાણીની અછતવાળા વિસ્તારોમાં કૂલિંગ માટે વપરાતા પાણીને કારણે સ્થાનિક સંસાધનો ખાલી થવાનો ભય પણ સતાવી રહ્યો છે. આ સેન્ટર્સના કારણે થતો અવાજ, પર્યાવરણને નુકસાન અને મોટી ટેક કંપનીઓને મળતી ટેક્સ છૂટ સામે પણ સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે આ પ્રોજેક્ટ્સ સ્થાનીકોને કાયમી રોજગારી આપ્યા વિના માત્ર કોર્પોરેટ જગતને જ નફો કરાવી રહ્યા છે.
બીજી બાજુ, અમેરિકામાં ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન અને મેટા જેવી દિગ્ગજ ટેક કંપનીઓ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એઆઈ મોડેલ્સ વિકસાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરી રહી છે. ચીન સાથેની વૈશ્વિક સ્પર્ધામાં આગળ રહેવા માટે ટ્રમ્પ પ્રશાસન પણ આ ટેકનોલોજીને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. જોકે, ટેકનોલોજીની આ દોડમાં સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન પર પડી રહેલા નકારાત્મક પ્રભાવોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. ટેક કંપનીઓ ભલે આને ભવિષ્ય માટે અનિવાર્ય માને, પરંતુ સામાન્ય પ્રજાના વધી રહેલા વીજ બિલ અને આર્થિક મુશ્કેલીઓએ આ વિકાસના મોડેલ સામે મોટા સવાલો ખડા કરી દીધા છે.
