ડભોઈના મહુડી ભાગોળ બહાર આવેલા 21 નંબરના વ્યસ્ત રેલવે ફાટક પર રેલવે તંત્ર દ્વારા ગત 1 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે વિશેષ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય કામગીરી દરમિયાન રેલવે ટ્રેક, સ્લીપર, ખીલા અને કેબલ બદલવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ફાટક આસપાસનો રસ્તો મોટા પાયે ખોદવામાં આવ્યો હતો. વાહનવ્યવહાર સુરક્ષિત રીતે ચાલે તે હેતુથી આ કામગીરી કરાઈ હોવા છતાં, કામ પૂર્ણ થયા બાદ તંત્રની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે.
સમારકામ પૂર્ણ થયાના દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ એવી છે કે રેલવે ટ્રેકની આસપાસના ભાગમાં મોટા બ્લોક, રબરના ટુકડા અને અસંખ્ય ખાડાઓ તેમજ તૂટેલો રસ્તો અકબંધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દ્વિચક્રવાહકો અને નાના વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું એક કઠિન પરીક્ષા સમાન બની ગયું છે. પાંચ દિવસ સુધી ફાટક બંધ રાખીને કરવામાં આવેલી આ કામગીરી બાદ રસ્તાને મૂળ સ્થિતિમાં કે સમતલ કરવામાં ન આવતા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં રેલવે તંત્ર સામે રોષ વ્યાપી ગયો છે.
અધૂરી અને બેદરકારીભરી કામગીરીના કારણે આ માર્ગ પર ગંભીર અકસ્માતો સર્જાવાનો સતત ભય રહેલો છે છતાં પ્રવાસીઓ જોખમ ખેડવા મજબૂર છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તા પરના ખાડાઓ પૂરે, માર્ગને સમતલ કરે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે સરળ તથા સુરક્ષિત બનાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
