JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

બેડમિન્ટન ફેડરેશનના 25-સેકન્ડ શૉટ ક્લોક નિયમ સામે પી.વી. સિંધુનો વિરોધ, ટૂંક સમયમાં સમીક્ષાની શક્યતા

Nov 04, 2026 | 14:11 | By JAMNAGAR MIRROR
બેડમિન્ટન ફેડરેશનના 25-સેકન્ડ શૉટ ક્લોક નિયમ સામે પી.વી. સિંધુનો વિરોધ, ટૂંક સમયમાં સમીક્ષાની શક્યતા
ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ BWFના ૨૫-સેકન્ડ શૉટ ક્લોક નિયમ સામે ખેલાડીઓની ચિંતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રાયોગિક નિયમની ન્યાયિકતાને લઈને ટૂંક સમયમાં જ સત્તાવાર સમીક્ષા કરવામાં આવશે.

વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (BWF) દ્વારા આ વર્ષે વર્લ્ડ ટૂરના કેટલાક પસંદગીના ટુર્નામેન્ટ્સમાં ૨૫-સેકન્ડ શૉટ ક્લોકનો નવો નિયમ પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ખેલાડીઓએ રેલી પૂરી થયા બાદ સર્વ કરવા માટે માત્ર ૨૫ સેકન્ડનો સમય મળે છે. આ નિયમને લઈને શરૂઆતમાં રેફરી અને ખેલાડીઓ બંને માટે સ્થિતિ જટિલ બની હતી કારણ કે સમય મર્યાદા અને અમ્પાયરોના કડક નિર્ણયોને કારણે ઘણી મેચોમાં યલો અને રેડ કાર્ડ આપવામાં આવ્યા હતા. જો કે, અંદાજે સાત જેટલી ટુર્નામેન્ટ્સ રમાયા બાદ ખેલાડીઓ હવે આ નિયમ સાથે ધીમે-ધીમે અનુકૂળ થઈ રહ્યા છે, છતાં તેની પારદર્શિતા અને યોગ્યતાને લઈને હજુ પણ ખેલાડીઓ વચ્ચે ભારે ચર્ચાઓ અને અસમંજસ પ્રવર્તી રહી છે.

BWF એથ્લેટ્સ કમિશનના ચેરપર્સન અને બે વખતની ઓલમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુએ આ મામલે સ્પષ્ટ કર્યું છે કે ખેલાડીઓને થતી મુશ્કેલીઓ અને અયોગ્ય દંડ સામેના વિરોધને તેમણે સત્તાવાર રીતે વહિવટી તંત્ર સમક્ષ રજૂ કર્યો છે. ફ્રેન્ચ ઓપન જેવી મોટી સ્પર્ધાઓમાં નિર્ણાયક તબક્કે (૧૯-૧૯ ના સ્કોર પર) રેડ કાર્ડ મળવાને કારણે મેચનું પરિણામ બદલાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી, જેના કારણે આ ઓટોમેટેડ ટાઈમ ક્લોકની કડકાઈ સામે ખેલાડીઓ અને ચાહકોમાં નારાજગી ફેલાઈ હતી. સિંધુના મતે, લાંબી અને થકવી નાખતી રેલીઓ પછી ખેલાડીઓ પણ માનવીય રીતે થાકી જતા હોય છે, તેથી અમ્પાયરોએ પરિસ્થિતિને સમજીને થોડી ઉદારતા દાખવવી જરૂરી છે અને ખેલાડીઓએ પણ સમયમર્યાદાનું પાલન કરવા સજ્જ રહેવું પડશે.

આ ગંભીર ચિંતાઓ અને વિવાદોને ધ્યાનમાં રાખીને, સિંધુએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે BWF આ નિયમની ગંભીરતાથી સમીક્ષા કરશે અને ખેલાડીઓ તથા અમ્પાયરો બંને માટે અનુકૂળ હોય તેવા યોગ્ય ફેરફારો સાથેનો નવો ર્નિણય લેશે. ભવિષ્યમાં જ્યારે પોઈન્ટ માળખામાં ફેરફાર થશે ત્યારે આ નિયમની અસરો વધુ વ્યાપક બનશે, જેને લઈને ઉચ્ચ અધિકારીઓ હાલમાં સક્રિયપણે વિચારણા કરી રહ્યા છે. ખેલાડીઓનો પ્રતિસાદ મિશ્ર છે કારણ કે કેટલાક ખેલાડીઓ આ સિસ્ટમથી ટેવાઈ ગયા છે જ્યારે કેટલાકને હજુ પણ અજાણતાં થતી ભૂલો માટે દંડનો સામનો કરવો પડે છે, પરંતુ આગામી દિવસોમાં આ નિયમમાં સકારાત્મક બદલાવ આવે તેવી પ્રબળ સંભાવના છે.

LATEST ARTICLES