JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રસાર સાથે સત્ય અને માનવીય મૂલ્યોનું રક્ષણ જરૂરી: પ્રો. ગોવિંદન રંગરાજન

Oct 31, 2026 | 22:13 | By JAMNAGAR MIRROR
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રસાર સાથે સત્ય અને માનવીય મૂલ્યોનું રક્ષણ જરૂરી: પ્રો. ગોવિંદન રંગરાજન
અદાણી યુનિવર્સિટીના ત્રીજાદિક્ષાંત સમારોહમાં IIScના ડાયરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજને જણાવ્યું હતું કે AI શિક્ષણ અને સંશોધનમાં નવી તકો ઊભી કરી રહ્યું છે, પરંતુ તેનાથી સત્ય, વિશ્વાસ અને માનવીય સંબંધો સામે પણ પડકારો સર્જાયા છે જે અંગે આપણે સજાગ રહેવું પડશે.

ગુજરાતમાં આવેલી અદાણી યુનિવર્સિટીનો ત્રીજો વાર્ષિક દિક્ષાંત સમારોહ અત્યંત ઉત્સાહભેર યોજાયો હતો, જેમાં વર્ષ ૨૦૨૬ની બેચના કુલ ૩૭૪ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ભવ્ય સમારોહમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દસ વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પાંચ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc) ના ડાયરેક્ટર પ્રોફેસર ગોવિંદન રંગરાજને સ્નાતક થયેલા યુવા વિદ્યાર્થીઓને કારકિર્દીની નવી શરૂઆત માટે શુભકામનાઓ પાઠવી હતી અને આજના ટેકનોલોજી યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ભૂમિકા વિશે ગંભીર ચિંતન રજૂ કર્યું હતું.

પોતાના સંબોધનમાં પ્રોફેસર રંગરાજને જણાવ્યું હતું કે AI શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનોમાં અપાર સંભાવનાઓ લઈને આવ્યું છે અને તે જટિલ સમસ્યાઓને ઉકેલવામાં તથા વૈજ્ઞાનિક શોધખોળને વેગ આપવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યું છે. જો કે, તેની સાથે સાથે તેમણે આ ટેકનોલોજીના પ્રભાવથી ઊભા થતા ગંભીર પ્રશ્નો તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આજૂબાજુ જ્યારે વીડિયો, ચિત્રો અને માહિતી અત્યંત ખાતરીપૂર્વક બનાવટી સ્વરૂપમાં રજૂ થતી હોય, ત્યારે સાચું શું છે તે પારખવું મુશ્કેલ બને છે. ડિજિટલ માધ્યમો આપણને નજીક લાવી રહ્યા છે પરંતુ શું આપણે વાસ્તવિક જીવનમાં એકબીજાથી દૂર થઈ રહ્યા છીએ? આ બાબતે આપણે ગંભીરતાથી વિચારવું પડશે અને AI ના ફાયદા અપનાવતી વખતે તેનાથી ગુમાવી બેસીએ તેવી બાબતો પ્રત્યે પણ સજાગ રહેવું પડશે.

યુનિવર્સિટીના અધ્યક્ષ ડૉ. પ્રીતિ અદાણીએ મુખ્ય અતિથિનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે પ્રો. રંગરાજનનું ગાણિતિક અને શૈક્ષણિક નેતૃત્વ સ્નાતક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેના સંબંધો પર ભાર મૂકતા કહ્યું કે વાસ્તવિક દુનિયાના પડકારો એવા પ્રશ્નો લાવે છે જે કોઈ એકલા ઉદ્યોગ કે શિક્ષણ સંસ્થા દ્વારા હલ ન થઈ શકે. ભારતે મોટા પાયે માળખાકીય સુવિધાઓ વિકસાવી છે અને હવે આપણે વ્યાપક સ્તરે નવીનીકરણ તથા સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ પ્રસંગે પ્રોવોસ્ટ ડૉ. ધવલ પુજારાએ વાર્ષિક અહેવાલ રજૂ કરી યુનિવર્સિટીની સિદ્ધિઓ અને સંશોધન લક્ષી અભિગમ વિશે માહિતી આપી હતી.

LATEST ARTICLES