નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા ૧૩૭ બિન-સુનિશ્ચિત કેન્સર વિરોધી દવાઓની મહત્તમ રિટેલ કિંમતો (MRP) ઘટાડવાનો તાજેતરનો નિર્ણય દર્દીઓ માટે તાત્કાલિક ધોરણે આશ્વાસનરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે કેટલો ટકશે તે એક મોટો પ્રશ્ન છે. અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૯માં પણ સરકારે ૪૨ કેન્સરની દવાઓ પર ૩૦ ટકા ટ્રેડ માર્જિન મર્યાદા નક્કી કરી કિંમતો ઘટાડી હતી, પરંતુ સમય જતાં મોટાભાગની દવાઓ પર નફાનું માર્જિન (માર્ક-અપ) વધીને ૧૦૦થી ૭૦૦ ટકા સુધી પહોંચી ગયું હતું. 'ઓલ-ઇન્ડિયા ડ્રગ એક્શન નેટવર્ક' (AIDAN) જેવી સંસ્થાઓએ આ ગંભીર બાબત સામે અગાઉથી જ ચેતવણી આપી છે કે જ્યાં સુધી નફાના માર્જિન પર સતત દેખરેખ અને નિયંત્રણ રાખવાની કોઈ કાયમી પદ્ધતિ નહીં વિકસાવવામાં આવે, ત્યાં સુધી માત્ર એક જ વાર એમઆરપી ઘટાડવાથી દવાઓના વધતા જતા ભાવોની સમસ્યા કાયમી ધોરણે નહીં ઉકેલાય.
વર્ષ ૨૦૧૯ના અહેવાલો અને તાજેતરના ડેટાનું વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે એનપીપીએની નીતિઓ માત્ર એક વખતની કિંમત ઘટાડવા પૂરતી સીમિત છે, જેને વાસ્તવિક અર્થમાં ટ્રેડ માર્જિન કેપ કહી શકાય નહીં. ટ્રેડ માર્જિન એ અંતિમ એમઆરપીની ટકાવારી તરીકે મપાય છે, જ્યારે માર્ક-અપ સ્ટોકિસ્ટ કે ડિસ્ટ્રિબ્યુટર દ્વારા ખરીદવામાં આવતી કિંમત પર ગણવામાં આવે છે. આ ગાણિતિક તફાવતના કારણે કંપનીઓ અને ડિસ્ટ્રિબ્યુટર્સને ભવિષ્યમાં ફરીથી કિંમતો અને માર્ક-અપ વધારવાની છૂટ મળી જાય છે. ઉદાહરણ તરીકે, પેમેટ્રેક્સેડ (Pemetrexed) જેવી કેન્સરની મહત્વની દવાના ભાવ ૨૦૧૯માં રૂ. ૭,૦૦૦ થી ઘટાડીને રૂ. ૮૦૦ કરવામાં આવ્યા હતા, જે તાજેતરના સુધારામાં રૂ. ૧,૦૯૫ થી ઘટીને રૂ. ૨૯૭ થયા છે. જોકે, અનેક બહુરાષ્ટ્રીય અને પેટન્ટ ધરાવતી કંપનીઓએ આ વખતે ખૂબ જ નહિવત કે કોઈ જ ભાવ ઘટાડો કર્યો નથી, જેના કારણે દર્દીઓને અપેક્ષિત આર્થિક રાહત મળવામાં શંકાનું વાદળ ઘેરાયેલું છે.
નવા આદેશ મુજબ આગામી ૯ નવેમ્બરથી અમલમાં આવનારી આ નવી કિંમત રચનાથી કેન્સરની દવાઓના ભાવમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો થવાની અપેક્ષા છે અને ઉત્પાદકોને સપ્લાય ચેન્જ જાળવી રાખવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ છે. તેમ છતાં, અર્થોમિક ટાઈમ્સના તાજેતરના અહેવાલ મુજબ સુધારેલી યાદીમાં સામેલ કુલ ડ્રગ પેક્સમાંથી ૨૫ ટકા જેટલા એટલે કે ૧૫૯ પેક્સના ભાવમાં કોઈ જ ઘટાડો કરવામાં આવ્યો નથી. ખાસ કરીને કીટ્રુડા, ટાગ્રિસો અને કોસેલુગો જેવી અત્યંત મોંઘી અને જીવરસક્ષક પેટન્ટ દવાઓ, જેની કિંમત લાખો રૂપિયામાં છે, તે હજુ પણ સામાન્ય દર્દીઓની પહોંચથી બહાર જ છે. આ તમામ પરિસ્થિતિ દર્શાવે છે કે માત્ર એકલ-દોકલ નિર્ણયો લેવા કરતાં ફાર્માસ્યુટિકલ બજારમાં કિંમતો અને નફાકારકતા ઉપર કડક તથા સતત નિયમનકારી દેખરેખ રાખવી અનિવાર્ય છે.
