JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ચક્રવાત અર્નબ નબળું પડ્યું છતાં દેશના છ રાજ્યોમાં ભારે વરસાદનું સંકટ યથાવત્

Oct 31, 2026 | 12:20 | By JAMNAGAR MIRROR
ચક્રવાત અર્નબ નબળું પડ્યું છતાં દેશના છ રાજ્યોમાં ભારે વરસાદનું સંકટ યથાવત્
ચક્રવાત અર્નબ તેની તીવ્રતા ગુમાવી ચૂક્યું છે, તેમ છતાં હવામાન વિભાગે આગામી પાંચથી છ દિવસ સુધી દેશના વિવિધ રાજ્યોમાં અસ્થિર હવામાન અને ભારે વરસાદની સ્પષ્ટ ચેતવણી જારી કરી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મળતી સત્તાવાર જાણકારી અનુસાર, ખતરનાક ગણાતું ચક્રવાત અર્નબ હવે નબળું પડી ગયું છે, પરંતુ તેની અસર હજુ પણ વાતાવરણ પર વર્તાઈ રહી છે. આ વાવાઝોડાના અવશેષો અને સક્રિય હવામાન પ્રણાલીને કારણે દેશના લગભગ 6 રાજ્યોના અંદાજે 23 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોખમ હજુ પણ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાતોએ આગામી પાંચથી છ દિવસ સુધી સતત સાવચેતી રાખવા અને તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે, જેથી સંભવિત નુકસાન સામે અગાઉથી તૈયારીઓ કરી શકાય.

વિશેષ અહેવાલ મુજબ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જેવા ઉત્તરીય રાજ્યોમાં ભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત, ઉત્તરાખંડમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, જ્યારે ઓડિસા અને પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને ૧ અને ૨ નવેમ્બર દરમિયાન વરસાદી માહોલ વધુ ઘેરો બનવાની અપેક્ષા છે. આ તમામ વિસ્તારોમાં ખેતી અને સામાન્ય જનજીવન પર માઠી અસર ન પડે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે.

માત્ર આ છ રાજ્યો જ નહીં, પરંતુ દેશના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસા જેવો માહોલ ફરી જામ્યો છે. ઉત્તર-પૂર્વ ભારતના સાતેય રાજ્યો જેવા કે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી ૫ નવેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં ગોવા, તમિલનાડુ અને પુડુચેરીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે પ્રવાસન સ્થળો ગણાતા હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ આગામી ૨ નવેમ્બર સુધી વરસાદ તથા હિમવર્ષાનું મિશ્ર વાતાવરણ જોવા મળી શકે છે.

LATEST ARTICLES