JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

હરિયાણાની સ્કૂલમાં ચોંકાવનારી ઘટના, ધોરણ ૩ ના બાળકે કેજીની વિદ્યાર્થિની પર પથ્થર અને કૂંડાથી કર્યો જીવલેણ હુમલો

Oct 31, 2026 | 12:20 | By JAMNAGAR MIRROR
હરિયાણાની સ્કૂલમાં ચોંકાવનારી ઘટના, ધોરણ ૩ ના બાળકે કેજીની વિદ્યાર્થિની પર પથ્થર અને કૂંડાથી કર્યો જીવલેણ હુમલો
હરિયાણાના પંચકુલા સ્થિત સંસ્કૃતિ મોડેલ સ્કૂલમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સામાન્ય બોલાચાલી બાદ ત્રીજા ધોરણના એક વિદ્યાર્થીએ કેજીમાં ભણતી માસૂમ બાળકી પર પથ્થર અને ફૂલના કૂંડાથી ક્રૂર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધી છે.

ગત ૨૮ ઓક્ટોબરે બનેલી આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. પંચકુલાની સંસ્કૃતિ મોડેલ સ્કૂલના વર્ગખંડમાં બનેલી આ ભયાનક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઠ વર્ષના આ બાળકે છ વર્ષની કેજીની માસૂમ વિદ્યાર્થિનીને બળજબરીથી ક્લાસરૂમમાં ઘસડી હતી અને તેના પર પાશવી હુમલો કર્યો હતો. તેણે બાળકીનું માથું ડેસ્ક સાથે ભટકાવ્યું, તેને જમીન પર પટકી અને બાદમાં પથ્થર તેમજ ફૂલના કૂંડાથી અસંખ્ય વાર નિર્દયતાપૂર્વક પ્રહારો કર્યા હતા. લોહીલુહાણ થયેલી બાળકી બેભાન થઈને ઢળી પડી છતાં આરોપી બાળકની ક્રૂરતા અટકી ન હતી અને તે સતત તેને લાતો મારતો રહ્યો હતો. આ હુમલો લગભગ દોઢ મિનિટ સુધી ચાલ્યો હતો, જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાનો સૌથી ચોંકાવનારો પક્ષ એ છે કે જ્યારે ભોગ બનનાર બાળકીના માતા-પિતા શાળાએ તેને લેવા પહોંચ્યા, ત્યારે ખુદ આરોપી બાળકે જ તેમને બાળકી પાસે લઈ જઈને કહ્યું હતું કે તમારી દીકરી અહીં પડી છે. માતા-પિતાએ તાત્કાલિક લોહીથી લથપથ દીકરીને સેક્ટર-૬ ની સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ ઈજાઓની ગંભીરતાને જોતાં તેને ચંદીગઢની પીજીઆઈ (PGI) હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાના કાકાના જણાવ્યા અનુસાર, આરોપી બાળકે આ ઘાતક હુમલો એટલા માટે કર્યો કારણ કે માસૂમ બાળકીએ તેને શિક્ષકો પાસે તેની ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. પરિવારજનોના આક્ષેપ મુજબ આરોપી બાળકની આક્રમક માનસિકતા અગાઉ પણ જોવા મળી હતી અને અગાઉ તેના દ્વારા પ્રાણીઓને મારવા જેવી હરકતો અંગે પણ ફરિયાદો થઈ ચૂકી છે.

આ દુર્ઘટનાએ માત્ર હરિયાણા જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સ્કૂલોમાં બાળકોની સુરક્ષા અને પ્રશાસનની ઘોર લાપરવાહી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આટલી નાની વયના બાળકમાં આવી હિંસક પ્રવૃત્તિ પાછળના કારણો જાણવા માટે આરોપી બાળકના માતા-પિતાની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. એક તરફ જ્યાં પીડિત પરિવાર પોતાની દીકરીના જીવન માટે પ્રાર્થના કરી રહ્યો છે, તો બીજી તરફ આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં કાઉન્સેલિંગ, બાળ વર્તણૂક અને સ્કૂલ મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા પર ઊંડા પ્રશ્નાર્થ ચિહ્નો મૂકી દીધા છે.

LATEST ARTICLES