ચેન્નઈના કાંચીપુરમ ખાતે રહેતા એક વેપારી આર. ગણેશ કુમાર દ્વારા મદ્રાસ હાઇકોર્ટમાં આ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રવક્તા સૌરવ દાસ અને તેના પરિવારની પૃષ્ઠભૂમિ તેમજ જોડાણોની ઊંડાણપૂર્વક તપાસ કરવાની કેન્દ્ર સરકારને દિશા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. અરજદારના આક્ષેપ મુજબ, સૌરવ દાસ અને તેના સહયોગીઓનો હેતુ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજમાં અરાજકતા ફેલાવવાનો અને શાસન તથા ન્યાયતંત્ર સામે અસંતોષ પેદા કરવાનો છે. આ અરજીને ગંભીરતાથી લઈને ચીફ જસ્ટિસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી અને જસ્ટિસ જી. અરુલ મુરુગનની પ્રથમ બેન્ચે કેન્દ્ર સરકાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સૌરવ દાસને આગામી છ અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
અરજીમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સૌરવ દાસનું કુટુંબ અને મૂળ નેપાળ સાથે જોડાયેલા છે, અને જો આ વાત સાબિતી તરફ જાય તો તેને દેશની સરકાર અને ન્યાયતંત્ર વિરુદ્ધ ટિપ્પણી કરવાનો કે પ્રવચન આપવાનો કોઈ અધિકાર નથી. અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે દાસે સોશિયલ મીડિયા હેન્ડલ્સનો ઉપયોગ કરીને ન્યાયતંત્ર, ખાસ કરીને દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) વિરુદ્ધ અત્યંત અપમાનજનક ટિપ્પણીઓ કરી છે, જે ખૂબ જ વખોડી કાઢવાલાયક છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેની સામે તાત્કાલિક ધોરણે અવમાનના (Contempt) ની કાર્યવાહી શરૂ કરવી જોઈએ અને તેના પ્રભાવને ડામવા માટે તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કાયમ માટે બ્લોક કરી દેવા જોઈએ.
આ કેસમાં માત્ર સૌરવ દાસ જ નહીં પરંતુ અભિજીત દીપકે, નેહા બોરા અને અન્ય કેટલાક શખ્સો કઈ રીતે એકસાથે આવ્યા તેની પણ એજન્સીઓ દ્વારા સઘન તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે, કારણ કે આ લોકોમાં કોઈ ફ્રીલાન્સ લીગલ જર્નાલિસ્ટ હોવાનો દાવો કરે છે તો કોઈ કોલેજ યુનિયનનો કમ્યુનિસ્ટ પાર્ટીનો હોદ્દેદાર છે. અરજદારના જણાવ્યા મુજબ સૌરવ દાસની તમામ ગતિવિધિઓ પાછળ કોઈ ચોક્કસ સ્વાર્થ અને અસામાજિક પરિબળો કામ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર વિરુદ્ધ ઘૃણા અને અરાજકતા ફેલાવવાનો છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયો અને મેટા તથા એક્સ (ટ્વિટર) કોર્પોરેશનને નોટિસ પાઠવીને કાયદાકીય પ્રક્રિયા વેગવંતી બનાવી છે.
