લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના સમયમાં દેશના ઉદ્યોગોના વિકાસ માટે આઈડીબીઆઈ બેંકની સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે વર્તમાન મોદી સરકાર નફામાં ચાલી રહેલી આ બેંકને કેનેડિયન કંપની ફેયરફેક્સને વેચી રહી છે. ગત વર્ષે ૯,૦૦૦ કરોડ રૂપિયાનો નફો કરતી બેંકમાં સરકારી હિસ્સો વેચવાની જરૂરિયાત સામે સવાલ ઉઠાવતા રાહુલે આઈડીબીઆઈ બેંક કર્મચારી યુનિયનો દ્વારા આગામી ૨ અને ૩ નવેમ્બરના રોજ પુકારવામાં આવેલી હડતાલને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. તેમણે બેંક કર્મચારીઓને પત્ર લખીને તેમની તમામ વ્યાજબી માંગણીઓ સાથે અડગ ઊભા રહેવાની ખાતરી આપી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીના આક્ષેપોનો આક્રમક અંદાજમાં જવાબ આપતા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પલટવાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ શાસન દરમિયાન બેંકો અને નાણાકીય સંસ્થાઓનો ઉપયોગ 'વ્યક્તિગત એન્ટિટી' તરીકે કરવામાં આવતો હતો અને વિડિયોકોન, કિંગફિશર, એબીજી શિપયાર્ડ જેવાં ખાસ ઉદ્યોગઘરાણાઓને મનસ્વી રીતે લોન આપવા માટે કર્મચારીઓ પર દબાણ કરાતું હતું. જેના કારણે આઈડીબીઆઈ બેંક અત્યંત ખરાબ સ્થિતિમાં મુકાઈ હતી. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે મોદી સરકારે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું પુનઃપૂંજીકરણ કરીને આ બેંકને નફાકારક બનાવી છે અને હવે તે વૃદ્ધિના આગામી તબક્કા માટે તૈયાર છે.
આ સમગ્ર પ્રક્રિયામાં તમામ નિયમો અને પારદર્શિતાનું પૂરતું પાલન કરવામાં આવ્યું હોવાનું જણાવતા નાણામંત્રીએ ઉમેર્યું કે આ વ્યૂહાત્મક પુનર્ગઠનથી કેન્દ્ર સરકાર અને એલઆઈસીને ૫૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની આવક થશે. કોંગ્રેસના સમયની બેંકિંગ સિસ્ટમ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ત્યારે શક્તિશાળીઓ માટે 'ફોનબુક' અને સામાન્ય નાગરિકો માટે 'રૂલબુક' કામ કરતી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. વર્તમાન સરકારમાં સામાન્ય જનતાને સરળતાથી લોન મળે છે અને કર્મચારીઓ પર કોઈ ગેરવ્યાજબી દબાણ નથી. આઈડીબીઆઈ બેંકના ખાનગીકરણનો આ મુદ્દો આગામી દિવસોમાં દેશના રાજકારણમાં વધુ ગરમાવો લાવે તેવી પૂરી સંભાવના છે.
