JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં માનસિક ત્રાસથી વિદ્યાર્થિની ડિપ્રેશનમાં, હેલ્થ સેન્ટરમાં સારવાર લેવી પડી

Oct 31, 2026 | 01:45 | By JAMNAGAR MIRROR
એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં માનસિક ત્રાસથી વિદ્યાર્થિની ડિપ્રેશનમાં, હેલ્થ સેન્ટરમાં સારવાર લેવી પડી
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ડિપાર્ટમેન્ટના વડાના કથિત માનસિક ત્રાસથી એક વિદ્યાર્થિની ગંભીર ડિપ્રેશનમાં સરી પડી હતી. આપઘાતની વાતો કરવા લાગलेली આ પીડિત વિદ્યાર્થિનીને યુનિવર્સિટી હેલ્થ સેન્ટરમાં તાત્કાલિક સારવાર અપાવવી પડી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

શહેરની નામાંકિત એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં શૈક્ષણિક દબાણ અને આંતરિક ત્રાસની સીમાઓ વટાઈ ચૂકી હોવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ફેકલ્ટીના એક ડિપાર્ટમેન્ટમાં ચાલતા કથિત માનસિક ઉત્પીડનથી કંટાળીને એક તેજસ્વી વિદ્યાર્થિનીનું માનસિક સંતુલન જોખમાયું હતું. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે વિદ્યાર્થિનીએ ગંભીર ડિપ્રેશનમાં આવીને 'હું સ્યૂસાઈડ કરી લઈશ' તેવી વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. આ સ્થિતિ જોઈને ડાયરેક્ટર્સ અને જવાબદાર અધિકારીઓની સંવેદનશીલતા પર સવાલો ઉભા થયા છે, કારણ કે એક યુવતીને ભણતરના ભાર અને માનસિક ત્રાસને કારણે આત્મહત્યાના વિચારો આવે તે શૈક્ષણિક જગત માટે અત્યંત શરમજનક બાબત છે.

આ મામલાની ગંભીરતા ત્યારે વધુ ઉજાગર થઈ જ્યારે વિદ્યાર્થિનીની માનસિક સ્થિતિ અત્યંત જોખમી બનતાં તેને તાબડતોબ યુનિવર્સિટી કૅમ્પસ સ્થિત હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી. યુનિવર્સિટીના જ એક પ્રોફેસર દ્વારા તેને હેલ્થ સેન્ટરમાં પહોંચાડીને પ્રાથમિક તબીબી સારવાર અપાવવાની ફરજ પડી હતી. જોકે, સંવેદનહિનતાની હદ તો ત્યારે વટલાઈ ગઈ જ્યારે મેડિકલ પ્રિસ્ક્રિપ્શન અને સારવારના તમામ પૂરાવા રજૂ કરવા છતાં સંબંધિત વિભાગના વડાએ માનવતા દાખવવાને બદલે અત્યંત અપમાનજનક વલણ અપનાવ્યું હતું. પ્રોફેસરે સહાનુભૂતિ રાખવાને બદલે "આ તો બધું ભણવું નથી એટલે નાટક કરે છે" તેવા બેજવાબદાર અને કઠોર શબ્દો કહીને પીડિત વિદ્યાર્થિનીની માનસિક પીડાની મજાક ઉડાવી હતી.

યુનિવર્સિટી કૅમ્પસના જ હેલ્થ સેન્ટરમાં સત્તાવાર રીતે આ કિસ્સો નોંધાયેલો હોવા છતાં, ઉચ્ચ સત્તાધીશો દ્વારા દોષિતો સામે કોઈ કડક અને નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મામલો દબાવી દેવા માટે માત્ર સાઈકોલોજી વિભાગ દ્વારા માત્ર ઔપચારિક કાઉન્સેલિંગ કરાવીને આ સંવેદનશીલ પ્રકરણ પર પડદો પાડી દેવાની કવાયત ચાલી રહી છે. વિદ્યાર્થી આલમમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે અને જો આવા અધિકારીઓ સામે કાયદાકીય કે શિસ્તભંગના પગલાં નહીં લેવાય, તો ભવિષ્યમાં કોઈ નિર્દોષ વિદ્યાર્થીએ મોટું નુકસાન વેઠવું પડી શકે છે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.

LATEST ARTICLES