કેનેડાના ટોરેન્ટો શહેરના સૌથી પોશ અને અતિસંપન્ન ગણાતા 'બ્રાઇડલ પાથ' વિસ્તારમાં ગત ગુરુવારે સવારે આશરે ૩:૪૫ વાગ્યે એક હ્રદયદ્રાવક ઘટના બની હતી. એમ.એફ. ગ્રુપના વડા અને ૭૫ વર્ષીય રિયલ એસ્ટેટ CEO ડેવિડ મોર્ટનના ૫-બેડરૂમવાળા આલીશાન મકાનમાં ત્રણ હથિયારધારી શખ્સો પાછળના દરવાજેથી બળજબરીપૂર્વક ઘૂસી આવ્યા હતા. માસ્ક અને હૂડી પહેરેલા આ હુમલોખોરો પાસે હેન્ડગન અને હથોડી જેવા હથિયારો હતા. મધ્યરાત્રિના શાંત વાતાવરણમાં અચાનક થયેલી આ ઘૂસખોરીથી અજાણ પરિવાર જાગી ગયો હતો અને પરિસ્થિતિની ગંભીરતા સમજતા જ ડેવિડ મોર્ટન તથા તેમની બે પુત્રીઓ માગી અને ક્રિસ્ટીનાએ ડર્યા વગર લૂંટારુઓ સામે બહાદુરીપૂર્વક બાથ ભીડી હતી.
આ આક્રમક પ્રતિકારથી ઘબરાયેલા બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો અને ભારે ઝપાઝપી સર્જાઈ હતી. આ હિંસક સંઘર્ષમાં ડેવિડ મોર્ટન અને તેમની એક પુત્રીના પગમાં ગોળી વાગી હતી, જ્યારે બીજી પુત્રીના હાથમાં ઈજા થઈ હતી. એટલું જ નહીં, એમ.એફ. ગ્રુપના પ્રમુખ અને ડેવિડના પત્ની ડોરિયાના ઝોહિલ-મોર્ટન પર હુમલોખોરોએ નિર્દયતાપૂર્વક હથોડીથી પ્રહાર કર્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર ક્રિસ્ટી સ્મિથના જણાવ્યા અનુસાર, આ ભયાનક હુમલામાં પરિવારના બે સભ્યોને ગંભીર અને જીવનભર રહે તેવી ઈજાઓ પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. હુમલો કર્યા બાદ તમામ શંકાસ્પદ આરોપીઓ એક એસયુવી કારમાં બેસીને અંધારામાં ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ કેનેડા પોલીસ અને પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. ટોરેન્ટોના મેયર ઓલિવિયા ચૌએ આ આઘાતજનક ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા દ્વારા પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને હાજરી વધારવાના આદેશ આપ્યા છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ અતિસંપન્ન વિસ્તાર અને આલીશાન મકાનને ધ્યાનમાં રાખીને ચોરી કે કિંમતી ચીજવસ્તુઓની લૂંટના ઈરાદે જ આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હોઈ શકે છે. હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને પુરાવાઓના આધારે ફરાર આરોપીઓની સઘન શોધખોળ કરી રહી છે.
