JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

ભુતાનમાં ગ્લેશિયલ લેક ફાટતા પશ્ચિમ બંગાળમાં પૂરનું જોખમ, ૧૨ હજાર લોકોનું સુરક્ષિત સ્થળાંતર

Oct 31, 2026 | 00:11 | By JAMNAGAR MIRROR
ભુતાનમાં ગ્લેશિયલ લેક ફાટતા પશ્ચિમ બંગાળમાં પૂરનું જોખમ, ૧૨ હજાર લોકોનું સુરક્ષિત સ્થળાંતર
ભુતાનમાં ગ્લેશિયલ લેક ફાટવાને કારણે સંકોષ નદીમાં જળસ્તર અચાનક વધી જતાં પશ્ચિમ બંગાળ સરકારે ૧૨,૦૦૦ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પડોશી રાજ્ય આસામમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ભુતાનના પુનાત્સાંગ્ચુ નદી બેસિનમાં આવેલી શિંતાફુ લેક (ગ્લેશિયલ લેક) ફાટવાની ઘટનાને પગલે ભારતનાં પૂર્વ રાજ્યો પશ્ચિમ બંગાળ અને આસામમાં પૂરનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ગુરુવારે સાંજે બનેલી આ ઘટના બાદ અંદાજે ૭૪ લાખ ઘનમીટર પાણી, કાંપ અને મોટા મોટા કાટમાળ સાથે મો નદીમાં ધસી આવ્યું હતું, જેના કારણે સરહદી વિસ્તારમાં વહેતી સંકોષ નદીનું જળસ્તર અચાનક બે ફૂટ સુધી વધી ગયું હતું. આ ભયજનક સ્થિતિને જોતા પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના સંકોષ નદી કિનારે વસતા આશરે ૧૨,૦૦૦ નાગરિકોને તાત્કાલિક અસરથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અસમની સરહદને અડકતી આ નદીના પાણી વધવાથી ઉત્તર બંગાળ અને આસામના નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે ધુબરી અને કોકરાઝાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમોને કોઈપણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. ભારતીય દૂતાવાસ દ્વારા ભુતાન સાથે સતત સંપર્ક જાળવીને નદીના પ્રવાહ અને જળસ્તરની પળેપળની માહિતી મેળવવામાં આવી રહી છે જેથી સમયસર યોગ્ય પગલાં લઈ શકાય.

પશ્ચિમ બંગાળના પ્રવાસન મંત્રી ડૉ. શંકર ઘોષે પુષ્ટિ કરી છે કે હાલમાં અલીપુરદ્વાર વિસ્તારમાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનના અહેવાલ નથી, પરંતુ તંત્ર દ્વારા સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે. હવામાન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની વિશેષ એડવાઈઝરી મુજબ પૂરનું પાણી આગળ વધતા ૬ થી ૮ કલાકમાં સરહદી વિસ્તારો સુધી પહોંચી શકે છે, જેને ધ્યાનમાં રાખીને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન, સિવિલ ડિફેન્સ અને આપત્તિ રાહત દળોની સંયુક્ત ટીમ દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ સતર્કતા જાળવવામાં આવશે.

LATEST ARTICLES