અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભૂતપૂર્વ સૈનિકો માટેના લોન રાહત કાર્યક્રમ 'વેટરન્સ અફેર્સ સર્વિસિંગ પર્ચેસ' (VASP) ને અચાનક બંધ કરી દેવામાં આવતા ગંભીર આર્થિક પરિસ્થિતિ સર્જાઈ છે. અગાઉ બાઇડેન વહીવટીતંત્ર દરમિયાન શરૂ કરાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આર્થિક મુશ્કેલીઓમાં ફસાયેલા અંદાજે ૨૦,૦૦૦ જેટલા મિલિટરી વેટરન્સને ઘરવિહોણા થતા અટકાવવાનો અને નીચા વ્યાજદરે લોન પુનઃરચના કરવાનો હતો. પરંતુ ૧ મે, ૨૦૨૫ના રોજ આ કાર્યક્રમ સત્તાવાર રીતે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર રદ કરવામાં આવતા, આ સૈનિકો સામે મોર્ગેજ ચૂકવણીનો મોટો બોજ આવી પડ્યો છે અને તેઓ પોતાની માલિકીના ઘરો ગુમાવવાની આરે પહોંચી ગયા છે.
એનપીઆર (NPR) દ્વારા પ્રકાશિત એક સંશોધાત્મક અહેવાલ મુજબ, આ યોજનાના અંત પછી ૧૫,૦૦૦થી વધુ ભૂતપૂર્વ સૈનિકોના માસિક મોર્ગેજ પેમેન્ટમાં ઓછામાં ઓછા ૧૫૦ ડોલરનો વધારો નોંધાયો છે, જ્યારે ૭૦૦થી વધુ સૈનિકો તો એવા છે કે જેમને દર મહિને ૧,૦00 ડોલર કે તેથી વધુ રકમ વધારાની ચૂકવવાની ફરજ પડી રહી છે. સરકારી આંકડાઓની તુલના કરીએ તો, અન્ય સરકારી સમર્થિત લોન ધરાવતા માત્ર ૨% લોકોના હપ્તા વધ્યા છે જ્યારે વી.એ. (VA) સમર્થિત લોન ધરાવતા આશરે ૬૩% જેટલા સૈનિકોને ઊંચા માસિક હપ્તાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને હાઉસ વેટરન્સ અફેર્સ કમિટીના રેન્કિંગ મેમ્બર માર્ક ટાકાનોએ "પાંડિત્યની પરાકાષ્ઠા" ગણાવીને તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે.
આ યોજનાને બંધ કરવા પાછળ રિપબ્લિકન નેતાઓની દલીલ હતી કે તે કરદાતાઓના નાણાં જોખમમાં મૂકે છે, પરંતુ હાઉસિંગ એક્સપર્ટ્સ અને મોર્ગેજ ઉદ્યોગના પ્રતિનિધિઓએ અગાઉથી જ ચેતવણી આપી હતી કે યોગ્ય વિકલ્પ વિના આવું પગલું ભરવાથી ગંભીર પરિણામો આવશે. સૈનિકોને હવે વધુ વ્યાજદરે મોર્ગેજ લોન સ્વીકારવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેઓ પહેલેથી જ નાણાકીય મુશ્કેલીમાં હોવા છતાં વધુ દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. આ નિર્ણચે અમેરિકન સૈનિકોની સુરક્ષા અને કલ્યાણ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.
