JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

અમરેલી અને ગીર સોમનાથમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતિત

Oct 30, 2026 | 18:15 | By JAMNAGAR MIRROR
અમરેલી અને ગીર સોમનાથમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતિત
હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અમરેલી અને ગીર સોમનાથમાં તેજ પવન સાથે વરસેલા માવઠાથી મકાનોના પતરા ઉડવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.

રાજ્યમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે 30 ઓક્ટોબરે બપોર બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક ઘેરાયેલા વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં તેજ પવન અને વાવાઝોડા જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે તોફાની પવનના કારણે એક ખેડૂતનું મકાન ક્ષતિગ્રસ્ત થતાં પતરા ઉડી ગયા હતા અને નજીકના પેટ્રોલપંપના સ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત ગીર ગઢડાના જંગલ બોર્ડર પાસેના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાથી ખેતરોમાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલી જિલ્લામાં પણ માવઠાએ ભારે તારાજી સર્જી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ખાંભા-ઉના સ્ટેટ હાઇવે પર ફૂંકાયેલા તેજ પવનને કારણે માર્ગ પર વિશાળ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેને પરિણામે થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે, સ્થાનિક ગ્રામજનો અને સતર્ક વાહનચાલકોએ સરાહનીય પહેલ કરીને જાતે જ રસ્તા પરથી વૃક્ષો હટાવીને માર્ગ ખુલ્લો કર્યો હતો. ભારે વરસાદના કારણે અમરેલીના હનુમાનપુર ગામની શેરીઓમાં પણ પાણી વહેતાં થયાં હતાં, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પણ કાળઝાળ ગરમી બાદ હવામાનનો મિજાજ બદલાયો હતો. પોશીના, ઈડર અને હિંમતનગર તાલુકાના વિવિધ ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતા. હિંમતનગર શહેરમાં તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાલ રાજ્યમાં પાક તૈયાર થવાની કે કાપણીની મહત્વની મોસમ ચાલી રહી છે, ત્યારે અચાનક ત્રાટકેલા આ કમોસમી વરસાદ અને માવઠાને કારણે અન્નદાતાઓની ચિંતા ચરમસીમાએ પહોંચી ગઈ છે અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

LATEST ARTICLES