ઉત્તરાખંડના પ્રખ્યાત ધામ બદ્રીનાથથી દેહરાદૂન તરફ રવાના થયેલું 'ટ્રાન્સ ભારત એવિએશન'નું હેલિકોપ્ટર (રજિસ્ટ્રેશન નંબર VT-HCX) શુક્રવારે બપોરે અચાનક લાપતા બન્યું હતું. બપોરે ૧:૧૪ વાગ્યે ઉડાન ભરેલું આ હેલિકોપ્ટર જોશીમઠ સામે આવેલા હાથી પહાડ પરની આર્મી પોસ્ટ નજીક સંપર્ક વિહોણું બન્યું હતું. હેલિકોપ્ટરનો સંપર્ક તૂટતાની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર અને જિલ્લા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં દિલ્હીના શાલીમાર બાગના રહેવાસી ૪૮ વર્ષીય પાયલોટ હિમાંશુ સભરવાલ ઉપરાંત બેંગલુરુના પાંચ મુસાફરો પ્રતાપ બી નિંગારાજુ (૪૧), અરૂણ સાલુંકે (૪૪), સુધીર કે (૪૯), એચ.એસ. નટરાજ (૫૧) અને વકીલ શંકરગૌડા વી.બી. (૩૯) સામેલ છે. મૃતકોમાં અરૂણ સાલુંકે પોલીસકર્મી અને શંકરગૌડા વ્યવસાયે વકીલ હતા. ચમેલી જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદકિશોર જોશીના જણાવ્યા અનુસાર, જેપી ડેમ પાસેના જંગલ વિસ્તારમાં ધુમાડો અને બળતી વસ્તુ દેખાતા હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાની પુષ્ટિ થઈ હતી.
ખરાબ હવામાન, સતત વરસાદ અને ઓછા વિઝિબિલિટીના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ નડી હતી છતાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્પ સિંહ ધામીના આદેશાનુસાર જિલ્લા વહીવટી તંત્ર, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF) દ્વારા તાત્કાલિક સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને મેડિકલ ટીમો દ્વારા દુર્ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢવાની અને સમગ્ર દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
