JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત સ્થિતિ: પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ યોજી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકો

Oct 30, 2026 | 17:50 | By JAMNAGAR MIRROR
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત સ્થિતિ: પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ યોજી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકો
રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા બાદ પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખંભાળિયા ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકમાં પીવાનું પાણી, પશુઓ માટે ઘાસચારો અને રાહત કામો અંગે ચર્ચા કરી પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા સખત તાકીદ કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવર્તતી અછત અને દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખંભાળિયાના સર્કિટ હાઉસ અને કલેક્ટર કચેરી ખાતે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. વિરોધ પક્ષોની સતત રજૂઆતો અને વિરોધ પ્રદર્શનો બાદ રાજ્ય સરકારે દ્વારકા સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જેના પગલે પ્રભારીમંત્રીનો આ પ્રથમ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે. સવારથી જ શરૂ થયેલી આ બેઠકોમાં મંત્રીએ ગ્રામ વિકાસ એજન્સી, આઈ.ટી.આઈ., રોજગાર અને શ્રમ વિભાગના કામકાજની સમીક્ષા કરી હતી. સોક પીટ, કંપોસ્ટ પીટ, શૌચાલય, ગ્રામીણ આવાસ યોજના અને એન.આર.એલ.એમ. અંતર્ગત સ્વસહાય જૂથોના નિર્માણ જેવા વિકાસ કાર્યોને વેગ આપવા અને પ્રગતિમાં રહેલા કાર્યો સમયસર પૂરા કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પદાધિકારીઓની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ ગૌરીબેન હાથીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્થાનિક પ્રશ્નો ઉછળ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો, નર્મદાનું પાણી, સૌની યોજનાના અમલીકરણ અને રાહત કામો શરૂ કરવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પશુપાલકો અને માલધારીઓને પૂરતી સહાય મળી રહે તેમજ પશુધનને બચાવવા માટે અન્યત્ર સ્થળાંતર ન કરવું પડે તે માટે પુરતા પ્રબંધો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર નાગરિકોની પડખે છે અને દરેક સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંયુક્ત બેઠકમાં અધિકારીઓ સાથે પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા. સમગ્ર જિલ્લામાંથી આવેલી રજૂઆતોને આધારે મંત્રીએ જે તે વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી કે ખેડૂતો, માલધારીઓ કે સામાન્ય જનતાને પાણી કે ઘાસચારાની અછતનો સામનો ન કરવો પડે. અછતની આ વિકટ પરિસ્થિતિમાં સરકાર, સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંપૂર્ણ સંકલન સાથે કામ કરીને પ્રજાના પ્રશ્નોનું નિવારણ લાવશે તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે પ્રજાને પડતી મુશ્કેલીઓનો સમયસર ઉકેલ લાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે.

LATEST ARTICLES