પંજાબ નેશનલ બેંક (PNB) ના ગ્રાહકો માટે આગામી ૧ નવેમ્બર, ૨૦૨૬થી પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો વધુ ખર્ચાળ સાબિત થવા જઈ રહ્યો છે. બેંકે વિઝા (Visa) અને રુપે (RuPay) ક્રેડિટ કાર્ડના વિવિધ ચાર્જિસમાં સંશોધન કર્યું છે, જેની સીધી અસર ગ્રાહકોના માસિક બજેટ પર પડશે. અગાઉ જે સેવાઓ બિલકુલ મફત હતી અથવા ઓછા દરે ઉપલબ્ધ હતી, તેના માટે હવે ગ્રાહકોએ ખિસ્સું હળવું કરવું પડશે. આ ફેરફારોમાં કેશ વિડ્રોલ, લેટ પેમેન્ટ ફી, ચેક રિટર્ન, ડુપ્લિકેટ સ્ટેટમેન્ટ અને યુટિલિટી બિલ પેમેન્ટ જેવા મહત્વના પાસાઓનો સમાવેશ થાય છે, જેથી ક્રેડિટ કાર્ડ ધારકોએ નવા શુલ્ક માળખાથી વાકેફ રહેવું અનિવાર્ય બન્યું છે.
નવા નિયમો અનુસાર, ક્રેડિટ કાર્ડ દ્વારા એટીએમમાંથી કેશ ઉપાડવા પર હવે ભારે ચાર્જ ચૂકવવો પડશે. પીએનબીના એટીએમ અથવા અન્ય બેંકોના એટીએમ તેમજ વિદેશમાં કેશ એડવાન્સ પર હવે ૨.૫% અથવા ઓછામાં ઓછા ૪૦૦ થી ૫૦૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, બિલ ભરવામાં મોડું થવા પર લાગતો લેટ પેમેન્ટ ચાર્જ પણ રિવાઇઝ કરવામાં આવ્યો છે, જેમાં બાકી રકમ મુજબ શુલ્ક વધારીને ૧,૨૦0 રૂપિયા સુધી કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, જો ક્રેડિટ કાર્ડનું બિલ ભરતી વખતે ચેક રિટર્ન થાય કે ઓટો-ડેબિટ ફેઈલ થાય, તો પેમેન્ટ રકમના ૨% અથવા ઓછામાં ઓછા ૪૦૦ રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવશે, જે ફિક્સ્ડ ડિપોઝિટ સામેના કાર્ડ માટે ૧૦૦ રૂપિયા રહેશે.
આ ફેરફારોની સાથે બેંકે રિવોર્ડ પોઈન્ટ્સ રીડેમ્પશન અને યુટિલિટી બિલ પેમેન્ટ પર પણ નવા શુલ્ક લાદ્યા છે. હવે પાત્રતા ધરાવતા વિઝા અને રુપે ક્રેડિટ કાર્ડ પર કોઈપણ રિવોર્ડ પોઈન્ટ રીડેમ્પશન કરવા માટે ગ્રાહકોએ પ્રતિ વિનંતી ૯૯ રૂપિયા ફી ચૂકવવી પડશે, જે અગાઉ સંપૂર્ણપણે નિઃશુલ્ક હતી. વળી, જો એક જ બિલિંગ સાયકલમાં યુટિલિટી બિલની કુલ ચૂકવણી ૫૦,૦૦૦ રૂપિયાથી વધી જાય, તો બેંક સમગ્ર રકમ પર ૧% (ટેક્સ સહિત) સુધીનો વધારાનો ચાર્જ વસૂલશે. આ તમામ નવા ફેરફારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકોએ હવે પોતાના ક્રેડિટ કાર્ડના વ્યવહારોનું આયોજન વધુ કાળજીપૂર્વક કરવું પડશે જેથી અનિચ્છનીય ખર્ચથી બચી શકાય.
